કોમર્સ ફેકલ્ટીમાં ધુળેટીની ઉજવણી દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજે ધુળેટીની ઉજવણી વચ્ચે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી થતા દોડધામ મચી ગઈ હતી.
મળતી વિગતો પ્રમાણે એક તરફ ફેકલ્ટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓ એક બીજા પર રંગ ઉડાડીને ધુળેટી મનાવી રહ્યા હતા ત્યારે પોલીટેકનિકના એક વિદ્યાર્થી અને તેના મિત્રો પણ ત્યાં હાજર હતા.આ વિદ્યાર્થીએ કોમર્સ ફેકલ્ટીની એક વિદ્યાર્થિનીનું સોશ્યલ મીડિયા આઈડી અને મોબાઈલ નંબર માગતા વિદ્યાર્થિનીના ગુ્રપમાં સામેલ બીજા વિદ્યાર્થીઓએ પોલીટેકનિકના વિદ્યાર્થીના ગુ્રપ સાથે બોલાચાલી કરી હતી અને એ પછી છુટ્ટા હાથની મારામારી થતા દોડધામ થઈ ગઈ હતી.સયાજીગંજ પોલીસની પણ કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રી પડી હતી.જોકે આ મામલામાં કોઈ પોલીસ ફરિયાદ નોધાઈ નથી.
બીજી તરફ મારામારીના કારણે કુખ્યાત બનેલી આર્ટસ ફેકલ્ટીની કેન્ટીનમાં પણ બે જૂથો આજે બાખડી પડયા હતા.પહેલા બોલાચાલી બાદ બંને જૂથો વચ્ચે ઝપાઝપી થઈ હતી.જેના કારણે કેન્ટીનમાં બેઠેલા બીજા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા.
મારામારીની બે ઘટનાઓએ સાબિત કર્યું હતું કે, કેમ્પસમાં સિક્યુરિટી માત્ર કાગળ પર જ છે અને દર વર્ષે સત્તાધીશો સિક્યુરિટીના નામે લાખો રુપિયાનો ધૂમાડો કરી રહ્યા છે.