Get The App

ધો.૮ની વિદ્યાર્થિનીની હેરાનગતિનો આરોપ, વાલીઓ વચ્ચે મારામારી

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
ધો.૮ની વિદ્યાર્થિનીની હેરાનગતિનો આરોપ, વાલીઓ વચ્ચે મારામારી 1 - image

વડોદરાઃ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીના કિસ્સા તો અગાઉ બન્યા છે પણ શહેરના આજવા રોડ પર આવેલી રોયલ સ્કૂલની બહાર વાલીઓ વચ્ચે થયેલી મારામારીના પગલે ભારે દોડધામ મચી ગઈ હતી અને લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા.

પ્રાપ્ત વિગતો પ્રમાણે સ્કૂલમાં જ અભ્યાસ કરતા એક બાળકના વાલીને અન્ય એક વિદ્યાર્થિનીના વાલી અને સગા સબંધીઓએ શુક્રવારની સાંજે સ્કૂલ છૂટયા બાદ સ્કૂલની બહાર જ માર માર્યો હતો.હુમલો કરનાર વાલીનું કહેવું હતું કે, ધો.૮માં ભણતી મારી પુત્રીનો છેલ્લા પંદર  દિવસથી આ વાલી પીછો  કરતો હતો અને ગઈકાલે મોબાઈલ નંબર સાથેની ચિઠ્ઠી પણ આપી હતી.

જોકે મારામારીના આ ઘટનાના પગલે સ્કૂલની બહાર અન્ય વાલીઓ ભેગા થઈ ગયા હતા.ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્કૂલ ખાતે પહોંચી હતી.હુમલાના કારણે લોહી લુહાણ થયેલા વાલીને પોલીસ જીપમાં બેસાડીને લઈ ગઈ હતી.સામેના પક્ષના લોકો પણ પોલીસ મથકમાં પહોંચ્યા હતા.

પોલીસ સૂત્રોનું કહેવું હતું કે, બંને પક્ષો વચ્ચે વાતચીત બાદ સમાધાન થયું હતું અને તેમણે કોઈ પ્રકારની પોલીસ ફરિયાદ કરી નહીં હોવાથી કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી.