મોરબી મનપા કચેરીને ઘેરાવ: અંદર જવા ન દેવાતાં કોંગી કાર્યકરો તથા પોલીસ વચ્ચે ઘર્ષણ
રસ્તા, ગટર, પાણીનો ભરાવો, ડિમોલિશનમાં ભેદભાવ સહિતના પ્રશ્ને : કચેરીના બંધ કરી દેવાયેલા ગેટ ઉપર ચડી અંદર જવા પ્રયાસ કરતાં પોલીસ સાથે ઝપાઝપી: અમુક કાર્યકરો સામે અટકાયતી પગલાં
મોરબી, : મોરબીમાં બિસ્માર રસ્તા, ગટર,પાણીનો ભરાવો,ડિમોલીશનમાં ભેદભાવ સહિતના પ્રશ્નો અંગે આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કચેરીએ ઘેરાવ કાર્યક્રમ યોજાયો હતો. અગાઉથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત કચેરીએ ખડકી દેવામાં આવ્યો હતો. કચેરીના ગેટ બંધ કરી કાર્યકરોને અંદર ન જવા દેવાતા પોલીસ સાથે ઘર્ષણ થતા વાતાવરણ તંગ બન્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ ભાજપ પર પ્રહારો કરવાની સાથે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા. મોરબીમાં પૂર્વ ધારાસભ્ય, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતનાની આગેવાનીમાં આજે કોંગ્રેસ કાર્યકરોએ મહાનગરપાલિકા કચેરીએ ઘેરાવ કર્યો હતો. જોકે કાર્યક્રમની અગાઉથી જાણ હોવાથી હોવાથી ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યકરોએ નારેબાજી કરી કચેરીના ગેટ પાસે બેસી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે ગેટ બંધ કરી તાળા લગાવી દેતા કાર્યકરો રોષે ભરાયા હતા. અને ગેટ પરથી ચડવાના પ્રયાસો જોવા મળ્યા હતા જેથી પોલીસ સાથે ઝપાઝપી થવા પામી હતી. અને પોલીસ કેટલાક કાર્યકરોને બસમાં બેસાડી અટકાયતી પગલા લેતા વિરોધ નોંધાવ્યો હતો. અને આગેવાનોને પોલીસ સાથે ઘર્ષણ થવા પામ્યું હતું.બાદમાં આગેવાનોને મર્યાદિત સંખ્યામાં અંદર રજૂઆત માટે જવા દેવાયા હતા.