Gujarat

બંધ બ્રિજ હોવાના દાવા પોકળ, સુભાષબ્રિજ બંધ હોવા છતાં લોકોની બિંદાસ્ત અવરજવર

By GS TEAM
11 Dec 20251 min read
બંધ બ્રિજ હોવાના દાવા પોકળ, સુભાષબ્રિજ બંધ હોવા છતાં લોકોની બિંદાસ્ત અવરજવર

  અમદાવાદ,બુધવાર,10 ડિસેમ્બર,2025

અમદાવાદના સુભાષબ્રિજના સ્પાનમાં તિરાડ પડવાના કારણથી ૨૫ ડિસેમ્બર સુધી તમામ પ્રકારની અવરજવર ઉપર પ્રતિબંધ મુકાયો છે. આમ છતાં જાહેરનામાનો ભંગ કરી સુભાષબ્રિજ ઉપર લોકો મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા હતા. ડેપ્યુટી સીટી ઈજનેર બ્રિજ પ્રોજેકટને પુછતાં તેમણે કહયુ, એજન્સીને પુછવુ પડશે કે બ્રિજ ઉપર લોકો અવરજવર કેમ કરે છે.

૪ ડિસેમ્બરથી સુભાષબ્રિજ બંધ કરાયો હતો.આ અંગે તંત્ર તરફથી જાહેરનામુ પણ બહાર પાડવામા આવેલુ છે. તંત્ર દ્વારા પ્રસિધ્ધ કરાયેલા જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરીને લોકો બ્રિજ ઉપર મોર્નિંગ વોક માટે નીકળ્યા હોય તેવો વિડીયો બુધવારે સોશિયલ મિડીયામા વાઈરલ થયો હતો.એક તરફ તમામ પ્રકારની અવરજવર માટે સુભાષબ્રિજ બંધ કરવામા આવેલો છે ત્યારે બ્રિજ ઉપર લોકો મોર્નિંગ વોક કેવી રીતે કરી રહયા છે. આ અંગે કોર્પોરેશનના બ્રિજ પ્રોજેકટ વિભાગના ડેપ્યુટી સીટી ઈજનેર જીજ્ઞોશ શાહે કહયુ, કોર્પોરેશને બ્રિજ ઉપર કોઈ પણ પ્રકારની અવરજવર ના થાય એ માટે બેરીકેડસ મુકી એજન્સીને જવાબદારી સોંપી છે. એજન્સીના માણસો રાઉન્ડ ધ કલોક બ્રિજ ઉપર હાજર હોય છે. છતાં આ પ્રકારે લોકો કઈ રીતે અવરજવર કરી શકે એ અંગે એજન્સીને પુછવુ પડશે.