ભુજ, ગાંધીધામ અને નલીયા ખાતે નાગરિક સંરક્ષણ મોકડ્રિલ યોજાઈ
'ઓપરેશન અભ્યાસ 'અન્વયે વિવિધ આપાતકાલીન સ્થિતિ સમયે ત્વરિત એક્શન બાબતે નાગરિકોને માહિતગાર કરાયા
આ મોકડ્રિલમાં હવાઈ હુમલાની ચેતવણી વખતે સ્વ બચાવ, હવાઈ હુમલાના ઘાયલોની પ્રાથમિક સારવાર સાથે તેમનું સ્થળાંતર, બોમ્બ વિસ્ફોટથી ઈજાગ્રસ્ત નાગરિકોની સારવાર, આગના બનાવમાં રાહત બચાવની ત્વરીત કાર્યવાહી તેમજ કેમિકલ દુર્ઘટનાઓ સામે રક્ષણ વગેરે બાબતોની સમજણ નાગરિકોને આપવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં ત્રણેય સ્થળોએ આયોજિત મોકડ્રિલ માં આકસ્મિક હવાઈ હુમલો, આગની ઘટના, કેમિકલ દૂર્ઘટના, બોમ્બ વિસ્ફોટ જેવી પરિસ્થિતિઓનું નિર્માણ કરીને નાગરિક સંરક્ષણ દ્વારા લોકોનસ્વબચાવની જાણકારી આપવામાં આવી હતી.
ભુજ ખાતે મોકડ્રિલના આયોજન પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, સિવિલ ડિફેન્સના કંટ્રોલર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી, પશ્વિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, સિવિલ ડિફન્સના નાયબ નિયત્રક ધવલ પંડયા, ભુજ પ્રાંત અધિકારી ડો. અનીલ જાદવ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તદ્ઉપરાંત ગાંધીધામમાં કંડલા પોર્ટ ર્ ખાતે આયોજિત મોકડ્રિલ માં હવાઈ હુમલાની સાવચેતી સહિતની જાણકારી અધિકારીઓ અને ઉપસ્થિત નાગરિકોને આપવામાં આવી હતી. ગાંધીધામમાં એજીસ વોપાક ટમનલમાં કેમિકલ અંગેની મોકડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું હતું.
નલીયામાં રાજપૂત સમાજવાડી ખાતે હવાઈ હુમલાની તાલીમ, પ્રાથમિક સારવાર અને આગની સ્થિતિમાં ત્વરિત એક્શન અંગેની નાગરિક સંરક્ષણ તાલીમ મોકડ્રિલ અંતર્ગત આપવામાં આવી હતી. નલીયાની મોકડ્રિલમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, નખત્રાણા પ્રાંત અધિકારી સુરજ સુથાર તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ મોકડ્રિલને સફળ બનાવવામાં નાગરિક સંરક્ષણ કચેરી, બી.એસ.એન.એલ, ડિસ્ટ્રીકટ ડીઝાસ્ટર ટીમ, જિલ્લા હોમગાર્ડ ર્ કચેરી, એન.સી.સી, એન.એસ.એસ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા, નગરપાલિકા, વનવિભાગ, આરોગ્ય વિભાગ, પીજીવીસીએલ, ફાયર વિભાગ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ , આરટીઓ કચેરી, એસ.ટી., સમાજ સુરક્ષા કચેરી, પુરવઠા વિભાગ, રેડક્રોસ સહિત વિવિધ સંસ્થાઓ અને જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગો જોડાયા હતા. મોકડ્રિલ બાદ કંઈ બાબતોની ખામી રહી તેની ચર્ચા કરીને આગામી સમયમાં કોઈપણ આપદાને પહોંચી વળવા માટે તમામ વિભાગોને માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.