ડુમસમાં બોગસ પ્રોપર્ટી કાર્ડ પ્રકરણમાં સીટી સર્વે સુપ્રિ. અનંત પટેલ પુણેથી ઝડપાયો
ચાર દિવસથી પુણેના કોરેગાંવ સ્થિત ઓશો આશ્રમમાં રોકાયા હતા : CID ક્રાઈમ તેમની અટકાયત કરી ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ મેળવી સુરત આવવા નીકળી
સાયલન્ટ ઝોનની સ્કીમ માટે 135 બોગસ કાર્ડ બનાવવા અંગે સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો, સીટી સર્વે કચેરીના અધિકારી, કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો
- ચાર દિવસથી પુણેના કોરેગાંવ સ્થિત ઓશો આશ્રમમાં રોકાયા હતા : CID ક્રાઈમ તેમની અટકાયત કરી ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ મેળવી સુરત આવવા નીકળી
- સાયલન્ટ ઝોનની સ્કીમ માટે 135 બોગસ કાર્ડ બનાવવા અંગે સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો, સીટી સર્વે કચેરીના અધિકારી, કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો
સુરત, : સુરતના ડુમસ સ્થિત સાયલન્ટ ઝોનની સ્કીમ મુકવા બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવાના પ્રકરણમાં સીઆઈડી ક્રાઈમે સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ અનંત પટેલને પુણેથી ઝડપી લીધા છે.અનંત પટેલ ચાર દિવસથી પુણેના કોરેગાંવ સ્થિત ઓશો આશ્રમમાં રોકાયા હતા.સીઆઈડી ક્રાઈમ તેમની અટકાયત કરી ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ મેળવી સુરત આવવા નીકળી છે.
સીઆઈડી ક્રાઈમના સૂત્રો દ્વારા થતીવિગતો મુજબ સુરતના ઘોડદોડ રોડ કોટક બેન્કની નજીક લક્ષ્મી વિલાસ કોમ્પલેક્ષ ફ્લેટ નં.402 માં રહેતા 47 વર્ષીય ખેડૂત આઝાદભાઈ ચતુરભાઈ રામોલીયાની ડુમસ અને વાટાની કરોડોની જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી સાયલન્ટ ઝોનની સ્કીમ મુકનાર સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો અને સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટના અધિકારીઓ-કર્મચારીઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમમાં ગત જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડીયામાં ગુનો નોંધાયો હતો.એક બ્રોકર તેમની જુદીજુદી જમીનો પૈકી એક બ્લોકનું પ્રોપર્ટીકાર્ડ લઈ વેચાણ માટે આવ્યા બાદ તેમણે તપાસ કરી તો તેમના તમામ સર્વે નંબરોમાં અલગ અલગ વ્યક્તિઓના નામે 135 બોગસ પ્રોપર્ટીકાર્ડ બન્યા હતા.આ અંગે તેમણે મુખ્યમંત્રી, મહેસુલ મંત્રી, કલેકટર, પોલીસ, મહાનગરપાલિકામાં કરેલી ફરિયાદમાં ન્યાય નહીં મળતા સીઆઈડી ક્રાઈમમાં અરજી કરી હતી.તેના આધારે સીઆઈડી ક્રાઈમે ગુનો નોંધતા તેની તપાસ ડીટેક્ટીવ પીઆઈ પી.બી.સંઘાણી કરી રહ્યા હતા.જોકે, બાદમાં આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમના સુરત એકમના ડીવાયએસપી અનિરુદ્ધ કેપ્ટનને સોંપવામાં આવી હતી.
ફરિયાદમાં જેનો ઉલ્લેખ કરાયો છે તે ભાગીદારી પેઢી સમૃદ્ધિ કોર્પોરેશનના નરેશ શાહ અને સરકારી કર્મચારી અનંત પટેલે હાઇકોર્ટમાં એફઆઈઆર રદ કરવા માટે કવોશિંગ પીટીશન કરી હતી.પરંતુ હાઈકોર્ટનું એફઆઈઆર રદ કરવાનો સાફ ઈન્કાર કરતું વલણ જોઈને બંનેએ અરજી પાછી ખેંચી લીધી હતી.તેમ છતાં સીઆઈડી ક્રાઈમે આ ગંભીર પ્રકરણમાં કોઈ નક્કર કામગીરી કરી નહોતી.જોકે, ગુનો નોંધાયાના સવા ચાર મહિના બાદ સીઆઈડી ક્રાઈમે ગતરાત્રે સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટ અનંત પટેલને પુણેના કોરેગાંવ સ્થિત ઓશો આશ્રમમાંથી ઝડપી લીધા હતા.તેમની પ્રાથમિક પુછપરછમાં તે છેલ્લા ચાર દિવસથી આશ્રમમાં રોકાયા હતા.સીઆઈડી ક્રાઈમે આજે સાંજે તેમના ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ મેળવ્યા હતા અને તેમને લઈ સુરત આવવા નીકળી છે.સંભવતઃ તેઓ આવતીકાલે મળસ્કે સુરત પહોંચશે.તેમની વધુ પુછપરછમાં તેઓ આટલા દિવસ ક્યાં હતા? કોની શું ભૂમિકા હતી તે સ્પષ્ટ થશે.