Get The App

રાણપુરમાં તલાટી મંત્રી સાથે સફાઇ કર્મીના અસભ્ય વર્તનના વિરોધમાં શહેર સજ્જડ બંધ

Updated: Aug 22nd, 2025

GS TEAM

Google News
Google News
રાણપુરમાં તલાટી મંત્રી સાથે સફાઇ કર્મીના અસભ્ય વર્તનના વિરોધમાં શહેર સજ્જડ બંધ 1 - image


બંધના વિરોધમાં સફાઇ કર્મચારીઓ રસ્તા પર ઉતરી દેખાવો કર્યા

સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરતી વખતે  કર્મચારીએ તલાટી મંત્રી સાથે અસભ્ય વર્તન કરી ધમકી આપી હતી

રાણપુરબોટાદ જિલ્લાના રાણપુર ગામમાં અનોખી ઘટના બની છે. ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને રાણપુરના નગરજનો અને વેપારીઓએ સ્વયંભૂ ટેકો આપી ગામને સંપૂર્ણપણે બંધ રાખ્યું છે. તલાટી-મંત્રી સાથે સફાઇ કર્મીઓ દ્વારા કરવામાં આવેલા અભદ્ર વ્યવહાર અને ધમકીના વિરોધમાં બંધ પાળીને સમગ્ર ગામ એક થઈને ઉભું રહ્યું છે.

 

રાણપુર ગ્રામ પંચાયતના તલાટી મહાવીરદાન દેવ મુરારીને ગ્રામજનો દ્વારા સફાઈ થતી નહીં હોવાની અનેકવાર ફરિયાદો મળતી હતી. ફરિયાદોને પગલે તલાટી દ્વારા હુસેની ચોક વિસ્તારમાં અકસ્મિક ચેકિંગ કરતા સફાઈ કામદાર રવિભાઈ ભીખાભાઈ વાઘેલા  હાજર મળી નહીં આવતા તેની વિરૃદ્ધ પંચરોજ કામ કરતા હતા. ત્યારે બીજા સફાઈ કામદાર મુકેશભાઈ વાઘેલાએ તલાટી સાથે બોલાચાલી કરી 'તારે થાય તે કરી લેજે' તેમ કહી ઝઘડો કર્યો હતો. જેના પગલે રાણપુર ગ્રામ પંચાયતના તલાટી દ્વારા રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ગ્રામ પંચાયતના તલાટી-મંત્રી સાથે સફાઇ કામદાર દ્વારા કરવામાં આવેલા અભદ્ર વર્તન અને ધમકીની ઘટનાને ગંભીરતાથી લઈને ગ્રામ પંચાયતે તાત્કાલિક એક બેઠક બોલાવી અને ભવિષ્યમાં આવા બનાવો ફરી ન બને તે માટે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયના ભાગરૃપે, ગ્રામ પંચાયતે સમગ્ર ગામને બંધ રાખવાનું એલાન આપ્યું હતું.

ગ્રામ પંચાયતના આ એલાનને રાણપુરના નાના-મોટા તમામ વેપારીઓ, લારી-ગલ્લાવાળા અને દુકાનદારોએ પોતાની દુકાનો અને વ્યવસાયો બંધ રાખીને તલાટી-મંત્રીને પોતાનું સમર્થન આપ્યું હતું. પોલીસ સ્ટેશન રોડ, છત્રીવાળો રોડ, અણીયાળી રોડ, હુસેની ચોક, મેઈન બજાર જેવા તમામ મુખ્ય વિસ્તારોની દુકાનો આજે દિવસભર બંધ રહી. આ બંધ શાંતિપૂર્ણ રીતે પાળવામાં આવ્યો હતો, અને લોકોએ શિસ્તબદ્ધ રીતે પોતાની એકતાનો પરિચય આપ્યો.

 

જોકે આ ઘટનાના વિરોધમાં સફાઈ કર્મચારીઓ પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેમણે પણ દેખાવો કર્યા હતા. આમ, એક તરફ ગામના વેપારીઓ અને નગરજનો તલાટી-મંત્રીના સમર્થનમાં હતા, તો બીજી તરફ સફાઈ કર્મચારીઓ પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા હતા. રાણપુરના નગરજનો અને વેપારીઓએ દર્શાવેલા આ સમર્થનથી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી-મંત્રીએ તેમનો આભાર માન્યો. ગ્રામ પંચાયતના કર્મચારીઓ સાથે આવી ઘટના ન બને તે માટે આ બંધ જરૃરી હતો, અને ગામલોકોના સહકારથી આ સંદેશો મજબૂત બન્યો છે. આ ઘટનાએ સાબિત કરી દીધું કે જ્યારે ગામ પર કોઈ આંચ આવે, ત્યારે રાણપુરના લોકો એક થઈને ઊભા રહે છે.

 

હું કોર્ટમાં કેસ જીતીને આવતા કાવતરૃ ઘડાયું ઃ સફાઇ કર્મી

આ બાબતે મુકેશભાઈ વાઘેલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હું રાણપુર ગ્રામ પંચાયતમાં સફાઈ કામદારના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું. ભાવનગરમાં કાયમી કરવા માટેનો મારો કેસ ચાલતો હતો. તે હું જીતીને આવતા તેમને નહીં ગમતા આ બધું ઉપજાવી કાઢવામાં આવ્યું છે. સફાઈ બરોબર થઈ છે કે નહીં તે મારી ફરજમાં આવે છે. હું સફાઈ કામદારનો લીડર છું એટલે તેમને આ ગમતું નથી તેને લઈ મારી ઉપર દાઝ રાખીને આ કાવતરું કરવામાં આવ્યું છે.

 

Tags :