શહેરમાં આજે સતત ચોથા દિવસે છ ફિલ્ટર આધારિત વિસ્તારમાં પાણી વિતરણ બંધ

શેત્રુંજી લાઈનમાં ભંગાણના પગલે શહેરમાં પાણી વિતરણનું આયોજન ખોરવાયું
તખ્તેશ્વર, ડાયમંડ, નિલમબાગ, તરસમીયા, વર્ધમાન વગેરે ફિલ્ટર અને ઇએસઆર આધારિત વિસ્તારમાં પાણી વિતરણ ઠપ્પ થશે
શહેરમાં શુક્રવારે આશરે ૩૦ ટકાથી વધુ વિસ્તારમાં પાણી કાપ રહેશે, જેમાં તખ્તેશ્વર ફિલ્ટર આધારિત, સરદારનગર, આતાભાઈ,રૂપાણી,ઘોઘાસર્કલ,આંબાવાડી,મેઘાણી સર્કલ,વૃધ્ધાશ્રમ,અનંતવાડી,શ્રમજીવી અખાડા વિગેરે વિસ્તાર તેમજ ડાયમંડ ઈએસઆર આધારિત આનંદનગર, તિલકનગર, માણેકવાડી, ખોડીયાર સોસાયટી, ડોન, તિલકનગર, માણેકવાડી, આજુબાજુનો વિસ્તાર અને નીલમબાગ ફિલ્ટર આધારિત ભાયાણીની વાડી, આર.ટી.ઓ. વગેરે વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે. ઉપરાંત તરસમિયા ફિલ્ટર આધારિત હિલડ્રાઈવ,સિંધુનગર,ઇસ્કોન તેમજ વર્ધમાન ઈએસઆર ફિલ્ટર આધારિત જુના બે માળિયા, ભરતનગર,શિવનગર,કૌશલ્ય પાર્ક,તળાજા રોડ,શિક્ષક સોસાયટી,દેવરાજનગર,તખ્તેશ્વર રેસીડેન્સી,આવાસ યોજના, તરસમિયા ગામતળ તથા સોસાયટી વિગેરે વિસ્તારમાં પાણી વિતરણ કરાશે નહીં. જયારે ચિત્રા ફિલ્ટર ઉપરથી આપવામાં આવતો પાણી સપ્લાય અનીયમિત તથા મોડો રહેશે તેમ ભાવનગર મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારીએ વિગત આપતાં જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, શેત્રુંજી લાઈનમાં ભંગાણના પગલે શહેરમાં મહાપાલિકા દ્વારા થતું પાણી વિતરણનું આયોજન ખોરવાયુ છે.
ત્રણ દિવસથી પાણીના ધાંધિયાના કારણે શહેરીજનો ત્રાહિમામ
શેત્રુંજી લાઈનમાં ભંગાણ થતા ગત મંગળવારે આશરે ૪પ એમએલડી પાણી ઘટ આવી હતી તેથી શહેરના જુદા જુદા વિસ્તારમાં ત્રણ દિવસથી પાણીના ધાંધિયા સર્જાયા હતા. જો કે મહાપાલિકાએ રિપેરિંગની કામગીરી શરૂ કરી છે પરંતુ હજુ સુધી લાઈન રિપેર થઈ નથી તેથી આવતીકાલે શુક્રવારે પણ ઘણા વિસ્તારમાં મહાપાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવશે નહીં. પીવાના પાણીના ધાંધિયાના પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને ઝડપથી કામગીરી પૂર્ણ કરી નિયમિત પાણી આપવા માંગ કરી રહ્યા છે. શુક્રવારે લાઈન રિપેર થઈ જશે તેવો વોટર વર્કસ અધિકારીએ ફરી દાવો કર્યો છે.








