વડોદરામાં સીટી બસ સર્વિસ શરૂ થઈ, 31 રૂટ્સ ઉપર 50 બસો દોડી
- બસમાં બેસવા માટે માસ્ક પહેરવો ફરજિયાત
વડોદરા, તા. 1 જૂન 2020 સોમવાર
કોરોના મહામારીને કારણે છેલ્લા 69 દિવસથી બંધ સીટી બસ સર્વિસ લોકડાઉન પૂર્ણ થતા આજથી ફરી શરૂ થઈ છે. વડોદરામાં સિટી બસના 31 રૂટ છે અને તેના પર 160 બસ દોડે છે. જોકે આજે 50 બસ ચલાવી છે અને મંગળવારથી સંખ્યા વધારી 75 કરાશે.
આજે સ્ટેશનથી હાઈવે સુધીના રૂટ આવરી લીધા છે પરંતુ પ્રથમ દિવસે મુસાફરો ઓછા જોવા મળ્યા હતા. એક બસમાં સામાન્ય રીતે 34 થી 39ને બેસાડી શકાય છે પરંતુ ગાઈડ લાઈન મુજબ હાલ બસમાં 50 ટકા એટલે કે 17થી 20 મુસાફર બેસાડવામાં આવે છે.
જોકે ભાડામાં કોઈ વધારો કરાયો નથી. બસ ઉપડે ત્યારે જ બસમાં 17થી 20 પેસેન્જર થઈ જાય તો રસ્તામાં કોઈને પણ વચ્ચેથી બેસાડવામાં આવતા નથી બસમાં બેસવા માટે પેસેન્જરે માસ્ક પહેરવો ફરજિયાત છે તેના વિના એન્ટ્રી અપાતી નથી.
હજી ગઈ કાલે તમામ બસો દવા છાંટીને સાફ કરવામાં આવી હતી. કંટ્રોલ રૂમ પર પેસેન્જરો માટે સેનિટાઈઝર મૂકવામાં આવ્યું છે અને મુસાફરે તેનો ઉપયોગ કરવાનું છે. આજે સવારે સાત વાગ્યાથી બસો શરૂ કરી છે અને રાત્રે 8 સુધી ચાલશે. સામાન્ય દિવસોમાં 160 બસો દોડે ત્યારે રોજના સવા લાખ મુસાફરો તેનો ઉપયોગ કરે છે.