નડિયાદમાં પ્રારંભિક ધોરણે 5 રૂટ પર સિટી બસ સેવાનો પ્રારંભ
- વિપક્ષના કાઉન્સિલરોને કાર્યક્રમ અંગે જાણ ન કરાઈ હોવાનો આક્ષેપ
- માતર કેનાલને સમાંતર વૉક-વે, આઈકોનિક રોડનું ડેવલપમેન્ટ સહિત 11.10 કરોડના કામોનું ખાતમુહૂર્ત
નડિયાદ પશ્ચિમમાં ઝલક રિંગરોડ કેનાલ ખાતે સુશાસન દિવસની ઉજવણી માટે ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૨ વર્ષથી બંધ થયેલી સિટી બસ સેવાને પુનઃ શરૂ કરવા માટે પ્રાથમિક ધોરણે પાંચ સિટી બસોને લીલીઝંડી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી બસ પરિવહન યોજના અંતર્ગત નડિયાદમાં પાંચ વર્ષ માટે મહેસાણાની ગુરૂકૃપા ટ્રાવેલ એજન્સી નામની ખાનગી એજન્સીને સિટી બસ સેવા ચલાવવા અને નિભાવણી કરવા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
બુધવારે ફાયર સેફ્ટી, સીસીટીવી કેમેરાથી સજ્જ પાંચ સિટી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું હતું. આ બસો પ્રારંભિક ધોરણે રેલવે સ્ટેશનથી પીજ, નરસંડા સહિત ૭થી ૧૨ કિલોમીટરના વિસ્તારના રૂટો પર દોડશે.
ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા નડિયાદના ખેતા તળાવ ખાતે સિટી સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ રૂ.૯.૨૫ કરોડના ખર્ચે માતર કેનાલને સમાંતર વૉક-વે, સાયકલ ટ્રેક અને ગાર્ડન બ્યૂટીફિકેશન સહિતના કામ, રૂ.૧.૦૯ કરોડના ખર્ચે આઈકોનિક રોડ ડેવલપમેન્ટનું કામ તથા રૂ. ૭૬ લાખના ખર્ચે ખેતા તળાવનું રીનોવેશન મળી કુલ રૂ.૧૧.૧૦ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બંને કામો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની અનુક્રમે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને નિર્મળ ગુજરાત ૨.૦ યોજના અંતર્ગત કરવામાં આવશે.
સિટી બસ સેવા પુનઃ શરૂ કરવાના શહેરીજનો માટેના મહત્વના કાર્યક્રમ અંગે વિપક્ષના એક પણ કાઉન્સિલરને જાણ ન કરાઈ હોવાના આક્ષેપ લાગ્યા છે. જાહેર નાણાંથી સેવા શરૂ કરવામાં આવે ત્યારે પક્ષ-વિપક્ષ છોડીને પ્રજાના તમામ પ્રતિનિધિઓને આમંત્રણ આપવું જોઈએ તેવી ચર્ચાઓએ જોર પકડયું હતું.
અગાઉ સિટી બસ બંધ થવાના કેટલાક કારણો
નડિયાદમાં વર્ષો પહેલા સિટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. તે સમયે સિટી બસમાં પુરતા મુસાફરો મળતા ન હોવાથી કમાણી ઓછી રહેતી હોવાની અને સિટી બસ ચલાવવા પાછળ ખર્ચ વધુ થતો હોવાનું જણાવી બસ બંધ કરી દેવામાં આવી હતી. પાલિકા પાસે પણ બસો ચલાવવા પુરતું ભંડોળ ન હોવાનું જણાવી મહિનો બસ ચલાવ્યા બાદ બંધ કરી દેવામાં આવી હતી.
હાલમાં આ રૂટ ઉપર સિટી બસો દોડશે
૧. રેલવે સ્ટેશનથી વલેટવા ચોકડી, ૨. રેલવે સ્ટેશનથી પીજ ગામ, ૩. રેલવે સ્ટેશનથી ભૂમેલ ચોકડી, ૪. રેલવે સ્ટેશનથી નરસંડા, ૫.રેલવે સ્ટેશનથી સરદાર ભવન, મિલ રોડ, કમળા ચોકડી, મંજીપુરા, જવાહરનગરથી કપડવંજ રોડ ગણપતિ ચોકડી