શહેરમાં 100 ઇ-બસ શરૂ કરવાની વાતો વચ્ચે સિટી બસ સેવા એક માસથી બંધ
- સિટી બસ બંધ કરાતા લોકો રિક્ષામાં જવા મજબૂર
- સિટી બસના 8 માંથી માત્ર બે રૂટ શરૂ હતા તે પણ મુસાફરો ન મળતા હોવાનું બહાનુ આગળ ધરી બંધ કરી દેવાયા
ભાવનગર : ભાવનગર શહેરમાં ૧૦૦ ઇ-બસ શરૂ કરવામાં આવશે તેવી વાતો વચ્ચે સિટી બસ સેવા એક માસથી બંધ કરી દેવામાં આવી છે, સિટી બસ સેવા બંધ થતાં ગરીબ અને જરૂરિયાતમંદ મુસાફરોને ઉંંચા ભાડા આપી ખાનગી વાહનોમાં મુસાફરીની ફરજ પડી રહી છે.
લોકસુવિધાના નામે મહાપાલિકાએ સ્થાપના સમયથી મોટાઉપાડે શરૂ કરેલી સિટી બસ સેવા છેલ્લા એક માસથી બંધ કરી દીધી છે. જો કે, આશરે ૨૦ વર્ષ પૂર્વે ખાનગી એજન્સીને સિટી બસનો કોન્ટ્રાકટ અપાયા બાદ શહેરના મોટાભાગના વિસ્તારને આવરી લેતા પ્રારંભિક તબક્કે ૮ રૂટ શરૂ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ મુસાફરો ન મળતા હોવાનું બહાનુ આગળ ધરી ક્રમશઃ સિટી બસના માત્ર બે રૂટ શરૂ રાખવામાં આવ્યા હતા તે પણ એક માસ પૂર્વે આ કારણથી એકસાથે બન્ને બંધ કરી દેવામાં આવ્યા છે.ઉલ્લેખનિય છે કે, એક તરફ મહાપાલિકાએ શહેરમાં આંતરિક પરિવહન સુધારવા માટે ૧૦૦ ઇ-બસ થકી સિટી બસ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી.જેનો હજુ અમલ થયો નથી ત્યાં ચાલું રૂટ પણ બંધ કરી દેવાયા છે. સિટી બસ સેવા બંધ કરવામાં આવતા લોકોને રિક્ષાને વધુ ભાવ આપી રિક્ષામાં મુસાફરી કરવી પડી રહી છે
બસ સેવા બંધ કરવાના કારણોને લઈ રહસ્ય
મહાપાલિકા અને એજન્સીને કેટલીક બાબતે વાંધો પડતા સિટી બસ સેવા બંધ કરવામાં આવી હોવાની ચર્ચા છે પરંતુ અધિકારીઓ દ્વારા આવા કારણ છુપાવવામાં આવી રહ્યા છે. તંત્ર મુસાફરો ન મળવા ઉપરાંત શાળા-કોલેજોમાં બસ સેવા હોવાથી વિદ્યાર્થી વર્ગ પણ તેનો લાભ ન લેતા હોવાની અને ડીઝલના ભાવ વધારાનું કારણ પણ એટલું જ જવાબદાર હોવાનો બચાવ કરી રહ્યા છે.
ઇ-બસ સેવા ડિસેમ્બરમાં શરૂ થવાનો દાવો
ભાવનગર શહેરમાં પી.એમ. ઇ-બસ સેવા અંગે ટ્રાન્સપોર્ટ વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવ્યુ કે, આ યોજના હેઠળ શહેરમાં ડિસેમ્બર-ર૦રપથી ૧૦૦ ઇ-બસ સેવા શરૂ થઈ જશે. ઇ-બસ સેવા માટે ટોપ-થ્રી સર્કલ નજીક રૂા. ર૩ કરોડના ખર્ચે સિટી બસ ડેપો બનાવવામાં આવી રહ્યો છે અને તેની પ૭ ટકા કામગીરી પૂર્ણ થઈ છ. જયારે, પ્રથમ તબક્કે ૧૬ રૂટ નક્કી કરાયા છે.