Gujarat

સીટી અને BRTS બસ ટીકીટ ચોરી કૌભાંડ : સુરત પાલિકામાં મેન પાવર સપ્લાય કરનારી એજન્સીના સુપરવાઈઝરને સસ્પેન્ડ કરાયા

By GS TEAM
18 Jun 20253 mins read
TukuTouch Logo
સુકાની એચ.આર. મેનેજમેન્ટના કન્ડક્ટર સપ્લાય કરનારી ત્રણ બસમાંથી ટીકીટ ડિવાઈસ બગડેલા મળ્યા : એજન્સી દ્વારા માથાભારે ઈસમોને કન્ડક્ટર રખાતા હોવાની ગંભીર ફરિયાદ

Summarized by AI; it may make mistakes. Check important info

સીટી અને BRTS બસ ટીકીટ ચોરી કૌભાંડ : સુરત પાલિકામાં મેન પાવર સપ્લાય કરનારી એજન્સીના સુપરવાઈઝરને સસ્પેન્ડ કરાયા

Surat City Bus Controversy : સુરત પાલિકા દ્વારા સીટી અને બીઆરટીએસ બસમાં ખોટ ઘટાડવા અને ટીકીટ ચોરી કૌભાંડ અટકાવવા અનેક પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ બસ સેવા માટે ડ્રાઈવર કન્ડક્ટર સપ્લાય કરનારી એજન્સી ભાજપ શાસકોની માનીતી એજન્સી હોવાથી પાલિકાના પ્રયાસ ટુંકા પડી રહ્યાં છે. પાલિકાએ આજે બસ સેવા માટે મહત્વની બેઠક રાખી હતી. જેમાં હાજર રહેવા માટે સુચના હોવા છતાં સુકાની એચ.આર.મેનેજમેન્ટના સુપરવાઈઝર-ચેકર હાજર ન રહેતા સસ્પેન્ડ કરાયા છે. આ ઉપરાંત બેઠક દરમિયાન એજન્સી દ્વારા માથાભારે ઈસમોને કન્ડક્ટર રખાતા હોવાની ગંભીર ફરિયાદ બહાર આવી હતી. 

સુરત પાલિકાએ આજથી ટીકીટ વિનાના મુસાફરોને રોકીને દંડ વસુલવાની કામગીરી શરૂ કરી છે. જેમાં પહેલા જ દિવસે 15 મુસાફરો ટીકીટ વિનાના મળી આવતાં તેમની પાસેથી 1500 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જોકે, આજે પાલિકાની આ ચેકીંગ દરમિયાન ડિંડોલી વિસ્તારમાં ત્રણ બસ એવી મળી આવી હતી જેમાં કંડકટર પાસેથી ટિકિટ ડિવાઈઝ મશીન બંધ હાલતમાં મળી આવ્યું હતું. આ ત્રણેય બસમાં કન્ડકટર સપ્લાય કરવાની કામગીરી સુકાની એચ.આર.મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી હતી. આ પહેલા પણ આ એજન્સી દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. 

આજે ટીકીટ ચોરી અટકાવવા માટે મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું અને આ બેઠકમાં હાજર રહેવા માટે એજન્સી તથા સ્ટાફને તાકીદ કરવામાં આવી હતી. સ્પષ્ટ સૂચના બાદ પણ આજની બેઠકમાં સુકાની એચ.આર.મેનેજમેન્ટના સુપરવાઈઝર અને ચેકર હાજર રહ્યાં ન હતા. જેના કારણે તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બેઠકમાં એવી પણ ગંભીર ફરિયાદ બહાર આવી હતી કે કેટલાક માથાભારે ઈસમોને કંડકટર બનાવી દેવામાં આવે છે. ઘણી વાર મુસાફરો ટીકીટની માંગણી કરે તો પણ દાદાગીરી કરી ટિકિટ આપવામાં આવતી નથી તેથી આવા તત્વોને શોધીને બહાર કાઢવા માટે પણ માંગણી કરવામાં આવી હતી. 

સિગ્નલ તોડનારા બસના ડ્રાઈવરને પહેલી વખત આરટીઓ દંડ અને પાંચમી વખત લાયસન્સ સસ્પેન્ડ કરાશે 

સુરત પાલિકાની જાહેર પરિવહન માટેની આજે મળેલી બેઠકમાં ફરિયાદનો ઢગલો થઈ ગયો હતો. જેમાં કન્ડકટર ઉપરાંત ડ્રાઈવરની પણ અનેક ફરિયાદ હતી. જેમાં સિગ્નલ તોડવા અને સ્પીડ લીમીટ હોવા છતાં ફાસ્ટ બસ દોડતી હોવાની ફરિયાદ હતી. આ ફરિયાદ બાદ પાલિકાએ સિગ્નલ તોડનારા બસના ડ્રાઈવરને પહેલી વખત આરટીઓ દંડ અને પાંચમી વખત લાયસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી કરવા તાકીદ કરી છે. 

સુરત પાલિકા વિસ્તારમાં સીટી અને બીઆરટીએસ બસ ડ્રાઈવર બેફામ બસ દોડાવે છે અને ટ્રાફિક સિગ્નલનું પણ પાલન કરતા નથી જેના કારણે અકસ્માતની ભીતિ રહેલી છે. આજની બેઠક બાદ જાહેર પરિવહનનો હવાલો સંભાળતા ડે.કમિશનર આર.બી.ભોગયતાએ કહ્યું હતું. સીટી અને બીઆરટીએસ બસના કેટલાક ડ્રાઈવરો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી અને સિગ્નલ તોડી રહ્યાં છે તે ગંભીર બાબત છે. હવે નિયમોનું પાલન કરવા માટે તાકીદ કરવામાં આવી છે જો હવે પછી નિયમોનો ભંગ કરશે તો   ડ્રાઈવર સામે આકરા પગલાં ભરાશે. જેમાં ડ્રાઈવર સિગ્નલના ભંગ કરે તેને પહેલી વખત આરટીઓ દ્વારા અપાતા દંડની રકમ, બીજી વખત દંડથી બમણી, ત્રીજી વખત ત્રણ ગણી અને સતત પાંચમી વખત આવું કરનારા ડ્રાઇવરના ડ્રાઇવીંગ લાઇસન્સ રદ કરાવી તેને પાલિકાની કામગીરીમાં કાયમ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવશે.