છેલ્લા અઢી મહિનાથી ઉભરાતી ડ્રેનેજથી નાગરિકોને હાલાકી

સયાજી હોસ્પિટલમાં ઉભરાતા ડ્રેનેજના પાણીથી દર્દીઓ, તેમના સ્વજનો તેમજ હોસ્પિટલમાં આવનારા નાગિરકોને ભારે મુશ્કેલી થઈ રહી હોઈ વોર્ડ નંબર ૧૩ના મ્યુ. કાઉન્સિલરે રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી અને ગરીબોની જીવાદોરી સમાન શ્રી સયાજી જનરલ હોસ્પિટલના પરિસરમાં ડ્રેનેજનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા નાગરિકોના આરોગ્ય સામે જોખમ ઊભું થવા સાથે લોકોને તકલીફનો સામનો કરવો પડે છે. આ હોસ્પિટલમાં રાજ્ય ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે, છતાં આ સમસ્યાનો લાંબા સમયથી ઉકેલ આવી રહ્યો નથી.
સયાજી હોસ્પિટલના પરિસરમાં નિર્માણાધીન બહુમાળી ઈમારતના કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઈન તોડી નાખવામાં આવી છે. તેમજ મ્યુ. કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલ અને વિશ્વામિત્રી નદીમાં જતા વરસાદી કાસ સાથે સીધું ડ્રેનેજનું જોડાણ કરી લેવાયું છે.
આ અંગે વડોદરા કલેક્ટર, આરોગ્ય સચિવ અને મ્યુ. કમિશનરને તા. ૨ ડિસેમ્બરે લેખિત રજૂઆત કરી હતી, છતાં આજદિન સુધી કોઈ નક્કર પગલા લેવાયા નથી. સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગ કરવામાં આવી છે. સાથે જ આ મુદ્દાને મિશન ગંગાજળ હેઠળ કેમ આવરી લેવામાં આવતો નથી તે અંગે પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે.









