વોરાના ડેલા પાસે ગટરની આડેધડ કામગીરીથી નાગરિકોને હાલાકી
- સુરેન્દ્રનગર દુધરેજ રોડ પરના
- ગટર લાઇન પર અવરજવર માટે મૂકેલા પથ્થર હટાવી લેતાં દુકાનદારોને ધંધામાં માઠી અસર
દુધરેજ રોડ પર આવેલા વોરાના ડેલા સહિત આસપાસની સોસાયટીમાં અનેક પરિવારો વસવાટ કરે છે તેમજ અનેક દુકાનો પણ વર્ષોથી ધમધમી રહી છે. તાજેતરમાં મનપા તંત્ર દ્વારા આ વિસ્તારમાં ગટરની કામગીરી હાથ ધરવામાં આવતા તેના ખોદકામ દરમ્યાન ગટરો પરથી રહીશો અને ગ્રાહકોની અવરજવર કરવા માટે મુકેલા પથ્થરો હટાવી લેતા આ વિસ્તારના રહિશોને પોતાના ઘરે અવર-જવર કરવામાં હાલાકી પડી રહી છે તેમજ દુકાનદારોને ત્યાં ગ્રાહક પણ સરળતાથી આવી શકતા નથી. આ ઉપરાંત ગટરો ખુલ્લી થઈ જતા તેમાં પડી જવાથી ઈજાઓ પહોંચવાની ભીતી પણ સેવાઈ રહી છે. જે મામલે શહેરના જાગૃત નાગરિક કમલેશ કોટેચા દ્વારા સ્થળ પર પહોંચી સમસ્યાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો અને તાત્કાલીક મનપા તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.