Get The App

સ્માર્ટ સીટી સુરતમાં આધાર કાર્ડ માટે જવાબ મળે છે સર્વર ડાઉન : શહેરીજનોને ધરમ ધક્કા

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
સ્માર્ટ સીટી સુરતમાં આધાર કાર્ડ માટે જવાબ મળે છે સર્વર ડાઉન : શહેરીજનોને ધરમ ધક્કા 1 - image


Surat Aadhar Card Update : સુરત મહાનગર પાલિકા સ્માર્ટ મહાનગરપાલિકા તરીકે દેશમાં જાણીતી છે પરંતુ હાલમાં સુરતમાં આધાર કાર્ડમાં સુધારા વધારા માટે સુરતીઓ જાય છે તેને સર્વર ડાઉન છે તેવો જવાબ આપવામાં આવી રહ્યો છે. આધારકાર્ડની કામગીરી માટે બે ત્રણ દિવસ પછી આવો તેવો જવાબ આપવામાં આવે છે. પરંતુ હકીકત એ છે કે 19 સેન્ટર પર આધાર કાર્ડ માટેની કામગીરી માટેનો કોન્ટ્રાક્ટ પુરો થઈ ગયો છે અને પાલિકાએ આગોતરું કોઈ આયોજન કર્યું ન હોવાથી સુરતીઓએ આધાર કાર્ડની કામગીરી માટે ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે. 

સુરત પાલિકા વિસ્તારમાં 19 સેન્ટર પર આધાર કાર્ડની કામગીરી માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જોકે, આ કોન્ટ્રાક્ટ 21 જુલાઈના રોજ પૂરો થઈ ગયો છે. કોન્ટ્રાક્ટ પુરો થાય તે પહેલાં પાલિકાએ આગોતરું આયોજન કરીને કોન્ટ્રાક્ટ પૂરો થતો હોય તે પહેલાં ટેન્ડર પ્રક્રિયા કરીને તારીખ પૂરી થાય તેના બીજા દિવસથી નવો કોન્ટ્રાક્ટર આપવાનો હોય છે. પરંતુ હજી સુધી પાલિકાએ નવા કોન્ટ્રાક્ટ માટે કોઈ કામગીરી કરી નથી જેના કારણે આધારકાર્ડની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. સુરતના લોકો વિવિધ કામગીરી માટે આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે જાય છે ત્યારે કોન્ટ્રાક્ટ પૂરો થયો છે તેવી જાણ કરવામાં આવતી નથી પરંતુ સર્વર ડાઉન છે બે ત્રણ દિવસ પછી આવો તેવો જવાબ મળી રહ્યો છે. જોકે, પાલિકાના આવા જવાબના કારણે કેટલાક લોકો ખાનગી સેન્ટર પર જાય છે પરંતુ તેમાં કોઈ ક્વેરી આવે તો મુશ્કેલી પડી શકે છે તેવા ડરથી લોકો આધાર કાર્ડની કામગીરીથી વંચિત રહે છે. 

21 જુલાઈના રોજ મુદત પુરી થઈ ગઈ છે પરંતુ પાલિકાના ગંભીર બેદરકારીને કારણે હજી કોન્ટ્રાક્ટ શરૂ થયો નથી તેથી સુરતીઓને આધારકાર્ડની કામગીરી માટે મુશ્કેલી પડી રહી છે.  

Tags :