સિન્ડ્રેલા અને સાહિલે ફાઇનલમાં શાનદાર જીત મેળવી અંડર 17નો ખિતાબ હાંસિલ કર્યો
નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના મુકાબલા રોમાંચક બન્યા
નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સિન્ડ્રેલા દાસ અને સાહિલ રાવતે ફાઇનલમાં શાનદાર જીત મેળવી અંડર 17નો ખિતાબ પ્રાપ્ત કર્યો હતો. આ સ્પર્ધામાં ખેલાડીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિશ્વ ફલક પર દેશનું ગૌરવ વધારી રહ્યા છે.

સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલ યુટીટી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ખેલાડીઓનું અભૂતપૂર્વ પ્રદર્શનજોવા મળી રહ્યું છે. ખેલાડીઓ મજબૂત મનોબળ અને અવિરત મહેનત દ્વારા ટોચના ખેલાડીઓ સામે ટક્કર આપી રહ્યા છે. આજે અંડર 17 સિંગલ્સ ફાઇનલના મુકાબલામાં પીએસપીબી બોર્ડના સાહિલ રાવત અને સિન્ડ્રેલા દાસે વિજય મેળવી ખિતાબ હાંસિલ કર્યો હતો. બોયઝ ફાઇનલમાં સાહિલે જમ્મુ કાશ્મીરના ઋત્વિક ગુપ્તાને 11-2, 11-0, 11-8 સ્કોર સાથે આસાનીથી હરાવી જીત મેળવી હતી. જ્યારે ગર્લ્સ ફાઈનલમાં સિન્ડ્રેલા અને મહારાષ્ટ્રની કાવ્યા ભટ્ટ વચ્ચેના રોમાંચક મુકાબલામાં 7-11, 11-4, 9-11, 11-5, 11-4થી સિન્ડ્રેલાની જીત થઈ હતી. આગામી તા.15 ઓગસ્ટ સુધી આ ચેમ્પિયનશિપની મેચો રમાવવાની હોય ફાઇનલની મેચોમાં ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરવા માટે આતુર છે.