Gujarat

કેનેડાના પીઆરના બોગસ વીઝા મોકલીને એજન્ટોએ છેતરપિંડી આચરી

By GS TEAM
4 Oct 20252 mins read
કેનેડાના પીઆરના બોગસ વીઝા મોકલીને એજન્ટોએ છેતરપિંડી આચરી

અમદાવાદ,શનિવાર

બોડકદેવમાં આવેલા વાઇસરોય વીલા એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતા એજન્ટે તેના જ એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારના બે સંતાનોને કેનેડાના પીઆર અપાવવાનું રૂપિયા લાખ લઇને પીઆરના બનાવટી દસ્તાવેજ આપીને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર યુનિટમાં નોંધવામાં આવી છે. આરોપી સ્વામીનારાયણ મંદિર વાસણા સંસ્થાના મુખ્ય કર્તાહર્તા હોવાનું કહીને ફરિયાદીને વિશ્વાસમાં લઇને ગઠીયાએ તેની બહેન અને અન્ય વ્યક્તિ સાથે મળીને સમગ્ર કૌભાંડ આચર્યું હતું.


બોડકદેવ જજીસ બંગ્લોઝ રોડ પર આવેલા વાઇસરોય વીલા એપાર્ટમેન્ટમાં રહેતા પરેશભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના એપાર્ટમેન્ટમાં નચિકેતા બ્રહ્યભટ્ટ ભાડેથી રહેતો હતો ત્યારે  પરેશભાઇ સાથે પરિચય કેળવીને પોતે એસએમવીએસ ગાદી સંસ્થાના સત્સંગી અને મુખ્ય કર્તા હર્તા તરીકે ઓળખ આપી હતી. સાથેસાથે તે મુંબઇમાં અસાઇલ ઓવરસીઝના નામે કેનેડા પીઆર વીઝાનું કામ કરે છે તેમ જણાવ્યું હતું. પરેશભાઇ પટેલ પણ સત્સંગી હોવાથી તે નિયમિત રીતે નચિકેતાના સંપર્કમાં રહેતા હતા. તેણે પરેશભાઇને તેમના બંને બાળકોને કેનેડામાં પીઆર મળે તેવી પાકી ગોઠવણ આપવાની ખાતરી આપી હતી. સામાન્ય રીતે  કેનેડામાં એક વ્યક્તિના પીઆરના ૩૦ લાખ રૂપિયા થાય છે.

પરંતુ, પરેશભાઇના બંને સંતાનોને ૫૦ લાખમાં કેનેડા મોકલી આપશે. જેથી પરેશભાઇ વિશ્વાસ કરીને હા કહી હતી.  નચિકેતાએ મુંબઇ મલાડમાં રહેતી તેની બહેન અલ્પા ઠક્કર સાથે મુલાકાત કરાવી હતી. જે મુંબઇ ઓફિસનું કામ સંભાળતી હતી.  ત્યારબાદ પરેશભાઇએ તબક્કાવાર ૪૦ લાખ રૂપિયા ચુકવી દીધા હતા. પરંતુ, નાણાં લીધા બાદ તેણે ત્રણ મહિના સુધી પ્રોસેસ ન કરતા પરેશભાઇ પુછપરછ કરતા નચિકેતાએ કેનેડાના પીઆર આવી ગયાનું કહીને વોટ્સએપમાં બે કોપી મોકલાવી હતી. ત્યારબાદ તેણે ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. જેથી પરેશભાઇને શંકા જતા તેમણે અન્ય ેએજન્ટ પાસે પીઆર ડોક્યુમેન્ટ તપાસ્યા ત્યારે તે ચોંકી ઉઠયા હતા. કારણ કે નચિકેતાએ બનાવટી ડોક્યુમેન્ટ આપ્યા હતા.બીજી તરફ તે છેતરપિંડી આચરીને ફ્લેટ ખાલે કરીને ફરાર થઇ ગયો હતો. આ અંગે સીઆઇડી ક્રાઇમે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.