Get The App

૧૯ કરોડના ડીજીટલ એરેસ્ટ કેસમાં વધુ આઠ આરોપીઓને ઝડપી લેવાયા

છેતરપિંડીના નાણાં વિવિધ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા

આરોપીઓના આઠ બેંક એકાઉન્ટમાં ૫૦ લાખની રકમ સેલ્ફ ચેકથી ઉપાડવામાં આવી હતીઃ સીઆઇડી ક્રાઇમની રડારમાં ૩૦થી શકમંદ યુવકો

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
૧૯ કરોડના ડીજીટલ એરેસ્ટ કેસમાં વધુ આઠ આરોપીઓને ઝડપી લેવાયા 1 - image

અમદાવાદ,શુક્રવાર

ગાંધીનગરમાં મહિલા તબીબને ડીજીટલ એરેસ્ટ કરીને તેમના વિરૂદ્ધ કેસ કરવાની ધમકી આપીને ૧૯ કરોડની છેતરપિંડી કરવાના કેસમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા વધુ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓના બેંક એકાઉન્ટમાં છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને જે પૈકી  ૫૦ લાખની રકમ સેલ્ફનો ચેક લખીને ઉપાડવામાં આવ્યા હતા. ત્યારે આરોપીઓની પુછપરછમાં ઓનલાઇન છેતરપિંડીના કરતા ગેંગ અંગે વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

ગાંધીનગરમાં રહેતા  સિનિયર  મહિલા તબીબના બંક એકાઉન્ટમાં કરોડો રૂપિયાના ગેરકાયદે વ્યવહાર થયા હોવાથી ફેમા  હેઠળ ગુનો નોંધવાની ધમકી આપીને ડીજીટલ એરેસ્ટ કરીને ૧૯ કરોડ રૂપિયાની માતબર રકમની છેતરપિંડી કરવામાં આવી હતી. જે કેસમાં લાલજી બદલાણિયાની સુરતથી ધરપકડ કરવામાં આવી હતી. તેના બેંક એકાઉન્ટમાં એક કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ઉપરાંત, પોલીસે નાણાંકીય ટ્રાન્જેક્શન અંગે ટેકનીકલ એનાલીસીસ કર્યું હતું. જેમાં જામનગર, રાજકોટ, અમરેલીમાં મોટા પ્રમાણમાં નાણાંકીય વ્યવહાર થયા હોવાની વિગતો જાણવા મળી હતી. જેના આધારે અલગ અલગ ટીમ બનાવીને કુલ આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. 

ઝડપાયેલા આરોપીઓના બેંક એકાઉન્ટમાંથી ૫૦ લાખ ઉપરાંતની રકમ સેલ્ફનો ચેક લખીને ઉપાડવામાં આવી હતી. આ ઉપરાંત, સીઆઇડી ક્રાઇમને અન્ય ૩૦ શંકમદો અંગે પણ વિગતો મળી છે.જેમાં  મોટા પ્રમાણમાં નાણાં ટ્રાન્સફર થયાની માહિતી સામે આવી છે.

સૌરાષ્ટ્રમાંથી ઝડપાયેલા આરોપીઓની નામ

૧. યશપાલસિંહ ચૌહાણ રહે. કામદાર કોલોની,નેમીનાથ સોસાયટી,જામનગર

૨. નાઝ રાઝસુમરા રહે.લક્ષ્મણ ટાઉનશીપ, જીવરાજ પાર્ક, રાજકોટ

૩. નિલેશ ટાંક રહે. સિટી ક્લાસીક એપાર્ટમેન્ટ, મવડી, રાજકોટ

૪. જયદેશ નિર્મલ રહે.કેરીયા રોડ, ભોજલપરા, અમરેલી

૫. અમીર માણેક રહે.જામા મસ્જિદ ચોક, બેડી ગામ, જામનગર

૬. શબિર સંવટ રહે.મિતાયાળા ગામ, તા. સાવરકુંડલા, અમરેલી

૭. રસીદ પઠાણ રહે. કાપડીયા સોસાયટી, સાવરકુંડલા, અમરેલી

૮. ઇસ્માઇલ ખુંભીયા રહે.ખોડીયાર કોલોની, સમ્રાટનગર, જામનગર


Tags :