Get The App

હાઇવે પર આવતા-જતા ટેન્કરમાંથી કેમિકલ ચોરીનો પર્દાફાશ, 7 પકડાયા

સુરતના ભાટપોર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં CID ક્રાઇમના દરોડા: બે ટેન્કર, 58 બેરલ સહિત રૂા. 29.26 લાખનો મુદ્દામાલ જપ્ત

Updated: Jul 30th, 2020

GS TEAM

Google News
Google News

સુરત તા. 30 જુલાઇ 2020 ગુરૂવાર
સીઆઇડી ક્રાઇમે હજીરા રોડના ઇચ્છાપોર સ્થિત ભાટપોર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડા પાડી સ્થાનિક વિસ્તારની કંપનીમાં આવતા-જતા ટેન્કરમાંથી ચોરી કરવામાં આવતા કેમીકલ ભરેલા 58 બેરલ, 2 ટેન્કર અને રોકડા રૂા. 69,440 સહિત કુલ રૂા. 29.26 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સીઆઇડી ક્રાઇમને બાતમી મળી હતી કે હજીરા રોડના ઇચ્છાપોરના ભાટપોર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નં. એ/21/1 માં પતરાના ગોડાઉનમાં હાઇવે પરથી આવતા-જતા ટેન્કરમાંથી કેમીકલ ચોરી કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પી.આઇ પી.જી. નરવાડે, એસ.સી. તરડે અને એમ.વી. બતુલ સહિતની ટીમે ઉપરોકત ઠેકાણે દરોડા પાડયા હતા. જયાંથી સીઆઇડી ક્રાઇમની ટીમે ટ્રક ડ્રાઇવર ગુરૂબચ્ચનસીંગ અવતારસીંગ સિંન્ધુ (ઉ.વ. 30 રહે. જટાગામ, જિ. તરંગનારણ, પંજાબ), આશિષ પપ્પુસીંહ રાજપૂત (ઉ.વ. 27 રહે. કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટ, મોટા જલારામ મંદિરની બાજુમાં, અમરોલી તથા મૂળ તુરતીલાવડી, જિ. મુરેના, એમ.પી), જતીન મનોજ મૈસુરીયા (ઉ.વ. 28 રહે. મારૂતિધામ સોસાયટી, ન્યુ કોસાડ રોડ, અમરોલી), માંગીલાલ ચંપાલાલ માલી (ઉ.વ. 26 રહે. સીપાલીયા ગામ, તા. સોજર, પાલી, રાજસ્થાન), કાલુસીંગ હિંમતસીંગ રાજપૂત (ઉ.વ. 34 રહે. ભાટપોર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ઇચ્છાપોર), ચંદનકુમાર ઓમપ્રકાશ ગુપ્તા (ઉ.વ. 25 રહે. તપોવન સોસાયટી, મોરા ટેકરા) અને પન્નાલાલ શંકરલાલ સાલવી (ઉ.વ. 37 રહે. ભાટપોર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ઇચ્છાપોર) ને ઝડપી પાડી કેમીકલ ભરેલા 2 ટેન્કર, અલગ-અલગ પ્રકારના કેમીકલ ભરેલા 58 બેરલ, 2 ખાલી કેરબા, ટેન્કરમાંથી કેમીકલ ચોરી કરવા ઉપયોગમાં લેવાતી 2 મોટર, પાઇપ, વાયર, રોકડા રૂા. 69,440 અને 10 નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 29.26 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

કેમીકલ ચોરીના માસ્ટર માઇન્ડ મુન્નો અને નિતીન બટકો ફરાર
હજીરા વિસ્તારની અલગ-અલગ કંપનીમાં આવતા કેમીકલ ભરેલા ટેન્કરમાંથી કેમીકલ ચોરી વેચાણ કરવાના સીઆઇડી ક્રાઇમે ઝડપી પાડેલા નેટવર્કમાં 7 ને ઝડપી પાડયા છે. પરંતુ આ આખા નેટવર્કના માસ્ટર માઇન્ડ નિતીન બટકો અને મુન્નો ભરવાડ હોવાનું જાણવા મળ્યું છે અને આ બંન્નેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

Tags :