Gujarat

રૂ.૬૪ કરોડના કૌભાંડમાં સંડોવાયેલા બેંકના પૂર્વ સીઇઓની ધરપકડ

By GS TEAM
26 Sep 20252 mins read
રૂ.૬૪ કરોડના કૌભાંડમાં સંડોવાયેલા બેંકના પૂર્વ સીઇઓની ધરપકડ

અમદાવાદ,શુક્રવાર

મહેસાણા અર્બન કો.ઓ. બેંકના રૂપિયા ૬૪ કરોડના કૌભાંડના કેસમાં સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા બેંકના પૂર્વ સીઇઓ વિનોદ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ગત જાન્યુઆરી મહિનામાં નોંધાયેલા ગુનામાં બેંકની ગાંધીધામ બ્રાંચના મેનેજરની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આરોપી વિનોદ પટેલે તેની સત્તાનો દુરઉપયોગ કરીને પાંચ કરોડ ઉપરાંતની લોન મંજુર કરાવી હતી. આ અંગે સીઆઇડી ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે. 

ગાંધીનગર સીઆઇડી ક્રાઇમે ગત જાન્યુઆરી મહિનામાં મહેસાણા અર્બન કો. ઓ.બેંક સાથે રૂપિયા ૬૪ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી. જેમાં ઓમ ઇન્ફ્રા અને બાગે શ્રી ઇન્ફ્રાના બીજલ મહેતા અને અમન મહેતા સહિત કુલ ૨૦ વ્યક્તિઓ વિરૂદ્ધ તપાસ શરૂ કરી હતી. આરોપીઓએ બેંકમાં વિવિધ દસ્તાવેજોના આધારે લોન લઇને તેનો અંગત ઉપયોગ કરીને બેંકમાં હપતા ભર્યા નહોતા. પોલીસે આ કેસના આરોપીઓની ધરપકડ કરીને તપાસ કરતા બેંકની ગાંધીધામ બ્રાંચના મેનેજર  પી ટી પટેલની ંસંડોવણી સામે આવતા તેમને પણ આ કેસમાં આરોપી બનાવીને પુછપરછ કરવામાં આવી હતી.

જેમાં તેમણે નિવેદન નોંધાવ્યું હતું કે  બેંકના તે સમયે ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસરના હોદા પર રહેલા વિનોદ મણિભાઇ પટેલ (રહે. જીવનજ્યોત સોસાયટી, મહેસાણા)એ તેમના હોદાના ખોટો ઉપયોગ કરીને પાંચ કરોડ ઉપરાંતની રકમની લોન મંજૂર કરી હતી. તેમજ અન્ય લોન મંજૂર કરવા માટે અન્ય સ્ટાફને સુચના આપી હતી.  જેના કારણે બેંકને કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું.

વિનોદ પટેલની સંડોવણીની માહિતી મળતા સીઆઇડી ક્રાઇમ દ્વારા બેંકને રેકર્ડ તપાસવામાં આવતા પોલીસને મહત્વના પુરાવા મળ્યા હતા. જેના આધારે શુક્રવારે પોલીસે બેંકના પૂર્વ સીઇઓ વિનોદ પટેલની ધરપકડ કરી હતી.