Gujarat

ચોટીલા કલાનગર બનશેઃ 11મીથી 2 દિવસ ચોટીલા ઉત્સવ ઉજવાશે

By GS TEAM
11 Mar 20261 min read
ચોટીલા કલાનગર બનશેઃ 11મીથી 2 દિવસ ચોટીલા ઉત્સવ ઉજવાશે

કલા-સંસ્કૃતિનો સુભગ સમન્વય રચાશે

ચામુંડા માતાજી મંદિરના તળેટી પાકગ પ્લોટ ખાતે યોજાનારા ઉત્સવમાં કલાકારો, કલાવૃંદો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાશે

ચોટીલા -  ચોટીલા ખાતે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે તા.૧૧ અને ૧૨ માર્ચના રોજ બે દિવસીય કલા-સંસ્કૃતિના સુભગ સમન્વયરૃપ ચોટીલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં રાજ્યભરનાં કલાકારો પોતાની કલાની ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરશે.

આ બે દિવસીય સાંસ્કૃતિક મહોત્સવ ચોટીલામાં શ્રી ચામુંડા માતાજી મંદિરના તળેટી પાકગ પ્લોટ ખાતે દરરોજ સાંજે ૮ કલાકે યોજાશે. જેમાં વિવિધ લોકનૃત્યો અને સંગીતના કાર્યક્રમો દ્વારા ગુજરાતની અસ્મિતાના દર્શન કરાવવામાં આવશે.

ઉત્સવ અંતર્ગત બે દિવસ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં તા.૧૧ માર્ચનાં રોજ રાજકોટના સ્પંદન ગુ્રપ દ્વારા ગણેશ વંદના અને લાવણી નૃત્ય રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત પાંચાળ રાસ મંડળ-થાનગઢ દ્વારા હુડો રાસ, ભાવનગરના કલાકારો દ્વારા પ્રાચીન ગરબો અને ડાંગના કલાકારો દ્વારા પાવરી નૃત્યની પ્રસ્તુતિ થશે. પ્રથમ દિવસનું મુખ્ય આકર્ષણ અમદાવાદના રક્ષા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત '-રંગ મેઘાણી-ફોક ફ્યૂઝન મ્યુઝીક શો રહેશે.

બીજા દિવસે, ૧૨ માર્ચના રોજ વડોદરાના ગુ્રપ દ્વારા ફ્યૂઝન ગરબા, જોરાવરનગરના માલધારી રાસ મંડળ દ્વારા ગોફ રાસ અને ભરૃચના ગુ્રપ  દ્વારા સિદ્દી ધમાલ નૃત્ય રજૂ કરાશે. કાર્યક્રમના અંતિમ ચરણમાં જાણીતા કલાકારો દ્વારા ભક્તિ સંગીત અને લોક  સંગીતની રમઝટ બોલાવવામાં આવશે.