ચૈત્રી નવરાત્રિએ ચોટીલા જતા ભક્તોને રાહત, સવારે 5 વાગ્યાથી ચઢી શકાશે ડુંગર, નોંધી લો આરતીનો સમય
Chaitra Navtatri: પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી નવરાત્રિના નવ દિવસ દરમિયાન ચામુંડા માતાજીના દર્શન, પગથિયાનો દ્વાર, આરતીનો સમય બદલાયો છે. ચૈત્રી નવરાત્રિએ મોટાપાયે દર્શનાર્થીઓ મંદિરે દર્શન માટે પહોંચે છે. ત્યારે તેમને અસુવિધા ઊભી ન થાય તે માટે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ચૈત્રી નવરાત્રિને લઈને લેવાયો નિર્ણય
ચોટીલાના ડુંગર પર બિરાજમાન ચામુંડા માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બારેમાસ ઉમટી પડે છે. પરંતુ, ચૈત્રી નવરાત્રિ દરમિયાન મા ચામુંડાના દર્શનનું ખાસ મહત્ત્વ રહેલું છે. ત્યારે દર્શનાર્થીઓને હાલાકી ન પડે તે માટે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા દ્વારા દર્શન તેમજ આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ આગામી 30 માર્ચ એટલે કે, ચૈત્ર સુદ એકમથી 6 એપ્રિલ ચૈત્ર સુદ નોમ દરમિયાન પગથિયાનો દ્વાર સવારે 5 વાગ્યે ખુલશે.
આરતીના સમયમાં ફેરફાર
ચૈત્રી નવરાત્રિ દરમિયાન સવારની આરતીનો સમય સનવારે 5:30 કલાકે અને સંધ્યા આરતી રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયે થશે. આ સિવાય મંદિરમાં ભોજનાલયમાં ભોજન પ્રસાદીનો સમય બપોરે 11:00થી 2:00 વાગ્યા સુધી રહેશે.