ચોટીલા ચામુંડાધામ રાબેતા મુજબ ખુલ્લું : સોમનાથ મંદિરમાં માત્ર દર્શન થઈ શકશે

રવિવારે પૂર્ણ ચંદ્ર ગ્રહણ : ભારતમાં દેખાશે તેથી સૂતક પળાશે : સોમનાથમાં સાયં આરતી, સવારથી પૂજન વગેરે બંધ જ્યારે ચામુંડા મંદિરમાં આરતી વગેરે યથાવત્ રહેશે
રાજકોટ, : રવિવાર તા. 7 સપ્ટેમ્બરેે રાત્રે 8.58 થી મધ્યરાત્રિના 2.25 વાગ્યા સુધી (દરેક શહેરનો સ્થાનિક સમયમાં નજીવો તફાવત) પૂર્ણ ચંદ્રગ્રહણ યોજાશે. આ ચંદ્રગ્રહણમાં ચંદ્ર રક્તવર્ણ (બ્લડ મૂન) થશે અને આ ગ્રહણ સમગ્ર ભારતમાં દેખાનાર હોવાથી અનેક ધર્મસ્થાનોએ,ઘરે ઘરે સૂતક પળાતું હોય છે ત્યારે સૌરાષ્ટ્રના મંદિરોમાં પણ ટાઈમીંગ વગેરે ફેરફાર કરાયા છે. પરંતુ, પ્રસિધ્ધ ચોટીલા ચામુંડા માતાજીના ધામમાં રોજના ક્રમ મૂજબ જ મંદિરમાં આરતી,દર્શન વગેરે યથાવત્ રહેશે જ્યારે સોમનાથ મંદિરમાં સવારે 11-19ના વેધ પ્રારંભથી રાત્રિના 2-05 વાગ્યે ગ્રહણ મોક્ષ સુધી પૂજન,અભિષેક, સાયં આરતીવગેરે બંધ રહેશે પરંતુ, ભાવિકો માટે માત્ર દર્શન ચાલુ રહેશે.
ચોટીલા ડુંગર પર ચામુંડા માતાજીના ધામમાં 160 વર્ષથી વંશ પરંપરાગત પૂજન કરતા મનસુખગિરિએ જણાવ્યું કે મંદિરમાં પહેલેથી જ ગ્રહણના દિવસે કોઈ દર્શન,આરતી વગેરે યથાવત્ ચાલુ રાખવાની પરંપરા રહી છે. આ રવિવારે ભાદરવી પૂનમનું માતાજીના ભક્તોમાં વિશેષ મહત્વ હોવાથીે અંબાજીની જેમ અહીં પણ ભીડ ઉમટે છે. વળી, આદિવસે રવિવારની રજા છે. હજારો પદયાત્રિકો સહિત અંદાજે એક લાખ ભાવિકોનો અંદાજ ધ્યાને લઈને મંદિરના દ્વાર ત્રણ કલાક વહેલા શનિવારે મધ્યરાત્રિના 2.30 વાગ્યે જ ખુલી જશે અને ૩ વાગ્યે આરતી થશે તેમજ સાયં આરતી પુનમના દિવસે રવિવારે સાંજે 7 વાગ્યે થશે. ગ્રહણના દિવસે માતાજીના મંત્રજાપ સહિત સાધના અનેકગણું ફળ આપે છે.
સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અનુસાર ચંદ્રગ્રહણ શાસ્ત્રોક્ત રીતે પ્રભાસ ક્ષેત્રને સ્પર્શતું હોવાથી પાળવાનું આવશ્યક રહે છે જે અન્વયે સ્થાનિક સમય મૂજબ સવારે 11-19 વાગ્યાથી વેધ પ્રારંભ અને રાત્રે 8-10થી 2-05 સુધી ગ્રહણ છે જે સમયમાં ટ્રસ્ટના સોમનાથ સહિત તમામ મંદિરોમાં મધ્યાન્હ પૂજન,સંધ્યા આરતી, રૂદ્રાભિષેક વગેરે બંધ રહેશે. માત્ર દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે. તા. 8ના સવારે રાબેતામૂજબ દૈનિક પૂજા,આરતી વગેરેનો પ્રારંભ થશે.








