લેહમાં બરફનાં તોફાનમાં ચોરવાડનો જવાન શહીદ
બે વર્ષથી મહાર યુનિટમાં ફરજ બજાવતા હતા
આવતીકાલે વતનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે થશે અંતિમયાત્રા, ચોરવાડમાં શોક છવાયો
જૂનાગઢ: લેહમાં બરફના તોફાન વખતે ચોરવાડના વતની જવાન શહીદ થતા શોક ફેલાયો છે. તા.૧૧ના ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ યાત્રા યોજાશે.
આ અંગેની વધુ વિગત મુજબ ચોરવાડની સીમમાં રહેતા રાકેશભાઈ દેવભાઈ ડાભી બે વર્ષ પહેલાં અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં પસંદ થયા હતા. મહાર યુનિટમાં હતા. હાલ તેઓ લેહમાં ફરજ પર હતા ત્યારે બરફનું તોફાન આવતા સ્નો સ્લાઇડીંગ થયું હતું. માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે સ્લાઇડીંગ થવાથી ચોરવાડના રાકેશભાઈ ડાભી અને અન્ય બે જવાન શહીદ થયા છે. તા.૧૧ના સેનાના જવાનો દ્વારા વતન ચોરવાડમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમયાત્રા નીકળશે. હાલ આ જવાન શહીદ થયાના સમાચારથી ચોરવાડમાં ગમગીની વ્યાપી ગઈ છે.