Gujarat

ચોરવાડ હીબકે ચડયું : શહીદ જવાનની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા

By GS TEAM
11 Sep 20251 min read
ચોરવાડ હીબકે ચડયું : શહીદ જવાનની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા

પાર્થિવ દેહ વતનમાં આવતાં ગાર્ડ ઓફ ઓનર અપાયું : 'ભારત માતા કી જય' અને 'શહીદ અમર રહો'ના નારા ગુંજ્યા, ચોરવાડ, ગડુ સહિતના ગામ શોકમય બંધ રહ્યાં

માળિયાહાટીના, : લેહમાં હિમસ્ખલન થતા શહીદ થયેલા ચોરવાડના જવાનના પાર્થિવ દેહને આજે સવારે લાવવામાં આવતા ચોરવાડ હિબકે ચડયું હતું. ગાર્ડ ઓફ ઓનર બાદ વીર શહીદની અંતિમયાત્રા નીકળી હતી જેમાં હજારો લોકો જોડાયા હતા. ચોરવાડ, ગડુ અને આસપાસના ગામ સ્વયંભુ બંધ રહ્યા હતા.

માળિયાહાટીના તાલુકાના ચોરવાડની સીમમાં રહેતા રાકેશભાઈ દેવાભાઈ ડાભી અગ્નિવીર તરીકે લેહમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે હિમસ્ખલન થતા શહીદ થયા હતા. ગઈકાલે તેના પાર્થિવ દેહને જામનગર અને ત્યાંથી આજે ચોરવાડ લાવવામાં આવ્યો હતો. જામનગરથી આવેલા સેનાના જવાનોએ તેઓને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. બાદમાં તિરંગા સાથે અંતિમયાત્રા યોજાઈ હતી. જેમાં ચોરવાડ ઉપરાંત ગડુ તેમજ આસપાસના ગામના હજારો લોકો જોડાયા હતા. અંતિમયાત્રા દરમ્યાન ભારત માતા કી જય, શહીદ અમર રહોના નારા ગુંજ્યા હતા. વિશાળ અંતિમયાત્રા હોલીડે કેમ્પ નજીક આવેલા ત્રિવેણી સંગમ ઘાટ પર અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. બે વર્ષથી સેનામાં ફરજ બજાવતા રાકેશભાઈનું પ્રથમ પોસ્ટીંગ આસામમાં થયું હતું. બીજું પોસ્ટીંગ લેહમાં થયું હતું ત્યાં તેઓ શહીદ થતા આજે અંતિમયાત્રા વખતે ચોરવાડ હિબકે ચડયું હતું. આજે ચોરવાડ તેમજ આસપાસના ગામ શોકમય રીતે સ્વયંભુ બંધ રહ્યા હતા.