નડિયાદ શહેરમાં કોલેરાનો રોગચાળો વકર્યો : નવા 3 કેસ
- ઝાડા- ઉલટીના કુલ કેસ 150 ને પાર, આરોગ્ય તંત્ર દોડતું થયું
- મનપાએ બરફની બે ફેક્ટરી બંધ કરાવી, 250 બરફના સ્લેબનો નાશ કરાયો : ખાણી- પીણીના 9 યુનિટ સીલ
નડિયાદમાં શાંતિનગર, કબ્રસ્તાન ચોકડી, ભીલવાસ, ઠાકોરવાસ, ઓમનગર સોસાયટી વિસ્તારોમાં છેલ્લા ૩ દિવસથી ઝાડા-ઉલટીના કેસો ખાનગી હોસ્પિટલોમાં અને સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે. ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં મળી ઝાડા- ઉલટીના ૧૫૦ જેટલા કેસો સામે આવ્યા છે. જોકે તંત્રના ચોપડે માત્ર ૫૦ દર્શાવવામાં આવ્યા છે.
બીજી તરફ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ૩૪ દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે. જેમાં ૨૨ પુખ્ત વયના અને ૧૨ બાળકો છે. તો અન્ય લોકો પણ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. ઝાડા ઉલટીના કેસો પૈકી ૩ લોકો કોલેરા પોઝિટિવ નોંધાયા છે. આ વચ્ચે મનપા તંત્ર નડિયાદ દિવસની ઉજવણી પૂર્ણ કર્યા બાદ એક્શન મોડમાં આવ્યું છે.
સ્થળ પર પહોંચી દૂષિત પાણી કેવી રીતે આવી રહ્યું છે તે માટે લીકેજ શોધવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધીમાં ૩ લીકેજ આ વિસ્તારમાં મળી આવતા તેને દુર કરાયા છે. ઉપરાંત જિલ્લા કલેકટરે ખાસ આ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી અસરકારક કામગીરી કરવા આદેશ આપતા કોર્પોરેશન વિભાગે પાણીના સેમ્પલો લીધા છે. બરફની લારીઓ, પાણી પુરીની લારીઓ જેવા ૯ યુનિટ સીલ કર્યા છે. ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અહેવાલ મુજબ આજે ૨૫૦ બરફના સ્લેબનો નાશ પણ કરવામાં આવ્યો હતો. બરફની બે ફેક્ટરીઓ પણ બંધ કરવામાં આવી છે. કમિશનર અને આરોગ્ય વિભાગે આ વિસ્તારના રહીશોને પાણી ઉકાળીને પીવા અને બહારનો ખોરાક ના ખાવા અપીલ કરી છે.
પીવાના પાણી સાથે ગટરનું પાણીની લાઈનમાં 3 લીકેજ મળ્યા
મહાનગરપાલિકાના કમિશનર જી.એચ.સોલંકીએ જણાવ્યું હતું કે, શહેરમાં ૫ જેટલા વિસ્તારોમાં ત્રણ દિવસથી સતત ઝાડા ઉલટીના કેસો આવી રહ્યા છે. હાલ ૫૦ જેટલા કેસો નોંધાયા છે. એક કોલેરાગ્રસ્ત પોઝિટિવ કેસ આવ્યા બાદ સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ હતી. ઉપરાંત ગટર અને પીવાના પાણીની લાઈન ચેક કરી ત્રણ લિકેજ મળતા તેને દૂર કરાયા છે. સુપર ક્લોરીનેશન પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.