Get The App

ચાઈનીઝ ભાષામાં બીએ અને એમએનો કોર્સ માત્ર વડોદરાની સેન્ટ્રલ યુનિ.માં ચાલે છે

Updated: Nov 15th, 2025

GS TEAM

Google News
Google News
ચાઈનીઝ ભાષામાં બીએ અને એમએનો કોર્સ માત્ર વડોદરાની સેન્ટ્રલ યુનિ.માં ચાલે છે 1 - image

વડોદરાઃ શીખવામાં અટપટી ચાઈનિઝ ભાષા ૅજાણનારાઓની માગ ભારતમાં વધી રહી છે.વડોદરા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારતની એક માત્ર એવી સરકારી યુનિવર્સિટી છે જ્યાં  બીએ વિથ ચાઈનીઝ, એમએ વિથ ચાઈનીઝ અને ચાઈનીઝ ભાષામાં પીએચડીના અભ્યાસક્રમો ચાલે છે.

યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ચાઈનીઝ લેન્ગવેજના હેડ પ્રભાત કુમાર કહે છે કે, અત્યારે બેચલર કોર્સમાં ૪૫ જેટલા, માસ્ટર કોર્સમાં ૨૦ જેટલા  વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.જ્યારે એક વિદ્યાર્થી ચાઈનીઝ ભાષા પર પીએચડી કરી રહ્યો છે.૨૦૧૨થી યુનિવર્સિટીમાં આ કોર્સ ચાલી રહ્યા છે.અત્યાર સુધીમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવીને બહાર નીકળ્યા છે.

ચીન સાથે ભારતનો સૌથી વધુ વેપાર છે.ચીન સાથે ભારતની સરહદ પણ ઘણી લાંબી છે.આ સંજોગોમાં ભારતમાં ચાઈનીઝ ભાષા જાણતા હોય તેવા લોકોની ડિમાન્ડ કોર્પોરેટ સેકટરની સાથે સાથે સુરક્ષા માટે કામ કરતી એજન્સીઓમાં પણ વધી રહી છે.જેના કારણે અહીંથી સ્નાતક કે અનુસ્નાતક થનારા વિદ્યાર્થીઓનું લગભગ ૧૦૦ ટકા પ્લેસમેન્ટ થઈ રહ્યું છે.વિદ્યાર્થીઓને સરેરાશ ૫૦૦૦૦ રુપિયાની આસપાસ પગાર મળે છે.

આ વર્ષે ૧૧ વિદ્યાર્થીઓને તાઈવાનની સ્કોલરશિપ 

સેન્ટ્લ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા  વિદ્યાર્થીઓને ચીન અને તાઈવાનમાં સ્કોલરશિપ પણ મળે છે.અત્યારે સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી એમએ કરનાર મનોહર કુમાર નામનો વિદ્યાર્થી બીજિંગ યુનિવર્સિટીમાં પીએચડી કરી રહ્યો છે.ચાલુ વર્ષે ચાઈનીઝ સ્કૂલના ૧૧ વિદ્યાર્થીઓને તાઈવાને સ્કોલરશિપ આપીને પોતાને ત્યાં એક વર્ષ માટે અભ્યાસ કરવા આમંત્રિત કર્યા છે.દર વર્ષે બે થી ત્રણ વિદ્યાર્થીઓને ચીન સ્કોલરશિપ આપે છે.

ચાઈનીઝ પર ઉત્કૃષ્ટ પકડ ધરાવનારા માંડ ૨૦૦ લોકો ભારતમાં છે

ભારતનો ચીન સાથે અબજો ડોલરનો વેપાર છે.બીજી તરફ ચીનના લોકો પોતાની જ ભાષામાં વાત કરવાનો આગ્રહ રાખે છે.આ સંજોગોમાં ભારતને વધારે ને વધારે ચાઈનીઝ જાણતા લોકોની જરુર પડવાની છે.બીજી તરફ ચાઈનીઝ ભાષા પર જેમની ઉત્કૃષ્ટ પકડ હોય તેવા લોકોની સંખ્યા આખા ભારતમાં ગણીને ૨૦૦ જેટલી થવા જાય છે.

અક્ષરોની જગ્યાએ આકૃતિ હોય છે, વિશ્વમાં શીખવા માટે સૌથી અટપટી અને અઘરી ભાષા

૨૦૧૨થી ચાઈનીઝ ભાષા શીખવાડનાર  પ્રોફેસર પ્રભાતકુમાર કહે છે કે, દુનિયામાં શીખવા માટે સૌથી અઘરી ભાષા જાપાનીઝ અને ચાઈનીઝ છે.ચાઈનીઝ ભાષામાં ચિત્રો જ અક્ષરોની ગરજ સારે છે.એટલે અક્ષરોની જગ્યાએ આકૃતિઓને યાદ રાખવાની હોય છે.ચાઈનીઝ ભાષા લખવાની અને બોલવાની પધ્ધતિ પણ અલગ છે.એક જ શબ્દના અલગ અલગ રીતે ચાર ઉચ્ચારણો થાય છે અને દરેક ઉચ્ચારણનો અર્થ અલગ હોય છે.જો તમે ૩૦૦૦ અક્ષરો એટલે કે આકૃતિઓ યાદ રાખી શકો તો તમે ચાઈનીઝ અખબાર વાંચી શકો છે.૫૦૦૦ અક્ષરો તમે યાદ રાખી શકતા હોય તો ચાઈનીઝ ભાષા ઘણી સારી રીતે સમજી શકો છો તેમ કહી શકાય.

ચાઈનીઝ ભાષા લખવા, વાંચવાથી માંડી સાહિત્ય અને સંસ્કૃતિનું શિક્ષણ 

વિદ્યાર્થીઓને પહેલા અને બીજા વર્ષમાં ચાઈનીઝ ભાષા કેવી રીતે લખવી, વાંચવી, બોલવી તે શીખવાડવામાં આવે છે.એ પછીના વર્ષોમાં ચાઈનીઝ લોકો કેવી રીતે ઉચ્ચારણો કરે છે તેના પર ભાર મૂકવામાં આવે છે.એ પછીના વર્ષોમાં ચાઈનીઝ કલ્ચરની વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવે છે.એમએમાં વિદ્યાર્થીઓને ચાઈનીઝ સાહિત્ય ફિલોસોફી, ભારત અને ચાઈના વચ્ચેના સબધો અને તેના પરિમાણોનું શિક્ષણ આપવામાં આવે છે.

ચીનની ૧૩ યુનિવર્સિટીઓમાં હિન્દી શીખવાડવામાં આવે છે

ચીનનો પણ ભારતમાં રસ વધતો જાય છે.જેના કારણે હવે ચીનની ૧૩ જેટલી યુનિવર્સિટીઓમાં હિન્દી ભાષા શીખવાડવા માટેના ડિપ્લોમાથી માડીને ડિગ્રી કોર્સ શરુ કરવામાં આવ્યા છે.પીએમ નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી પરના એક પુસ્તકનો ચાઈનીઝ ભાષામાં અનુવાદ થયો છે અને તેના એક અનુવાદક પ્રોફેસર પ્રભાત કુમાર છે.