ચિલોડા-હિંમતનગર હાઇવે પર ભયાનક અકસ્માત, ટ્રકચાલક કેબિનમાં ફસાયો; 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

Road Accident on Chiloda-Himmatnagar Highway: ચિલોડા-હિંમતનગર હાઇવે પર આજે (24 ઓક્ટોબર) વહેલી સવારે સર્વિસ રોડ પર ઊભેલી એક બસ પાછળ પુરપાટ ઝડપે આવતી ટ્રક ધડાકાભેર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈને ટ્રકની કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરવું પડ્યું હતું.
અકસ્માતની જાણ થતાં જ ગાંધીનગર ફાયર અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ કટર મશીનની મદદથી ટ્રકની કેબિનનો ફસાયેલો ભાગ કાપીને ભારે જહેમત બાદ ટ્રકચાલકને બહાર કાઢ્યો હતો.
10થી વધુ મુસાફરોને ઈજા, હોસ્પિટલમાં ખસેડાયા
આ દુર્ઘટનામાં બસમાં સવાર 10થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તમામને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતને પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે તાત્કાલિક ટ્રાફિકને ડાયવર્ટ કરી ક્રમશઃ બસ અને ટ્રકને હટાવીને માર્ગ પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે જણાવ્યું છે કે ટ્રકચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


