સુરત શિક્ષણ સમિતિના બાળકો સ્વચ્છોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આગામી 6 ઓક્ટોબરથી પરીક્ષા જાહેર કરવામાં આવી છે. આ પહેલા અનેક કાર્યક્રમોથી સમિતિ સતત વ્યસ્ત હોવાથી શિક્ષકોને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે ઓછો સમય મળ્યો છે. એક તરફ પરીક્ષાની તૈયારી થઈ રહી છે તો બીજી તરફ પરીક્ષા આડે ગણતરીના દિવસો બાકી રહે છે તેવા સમયે સ્વચ્છતા હી સેવા-સ્વચ્છોસ્તવ-2025 અંતર્ગત ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધાનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફરી આ કાર્યક્રમમાં જોડાશે અને ત્યાર બાદ તરત પરીક્ષા આપશે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષણ ઓછું અને વિવિધ કાર્યક્રમો વધુ હોય તેવો ઘાટ થઈ રહ્યો છે. સમિતિની શાળામાં સત્ર શરૂ થયું ત્યારથી જ અત્યાર સુધી શૈક્ષણિક પ્રવૃત્તિ ઓછી અને ઈતર પ્રવૃત્તિ વધુ થઈ રહી છે. સુરત શિક્ષણ સમિતિમાં સત્ર શરૂ થતાની સાથે જ પ્રવેશોત્સવ, ગણેશોત્સવ, સ્વાતંત્ર્ય દિનની ઉજવણી, સમગ્ર શિક્ષા અભિયાન કામગીરી, દર શનિવારે બેગ લેસ ડે, ખેલ મહાકુંભ, ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની 6 દિવસની તાલીમ, શિષ્યવૃત્તિની કામગીરી, ગણેશોત્સવ, ઉપરાંત હાલમાં 29 સપ્ટેમ્બર સુધી શિક્ષકોની તાલીમ અને હવે નવરાત્રી ઉત્સવની તૈયારી ચાલી રહી છે.
આવા વ્યસ્ત શેડ્યુલ વચ્ચે આગામી છ તારીખથી પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવામા આવ્યું છે. હજી પણ અનેક જગ્યાએ કોર્સ બાકી હોવાની ફરિયાદ છે. આવા સમયે ફરીથી એક કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે.
સ્વચ્છતા હી સેવા-સ્વછોસ્તવ-2025"અંતર્ગત વિધાનસભા મતવિસ્તાર દીઠ વિકાસશીલ ભારત, આત્મનિર્ભર ભારત, સફાઈ ઝુંબેશ માટે 27મીએ નિબંધ સ્પર્ધા અને 29મીએ નિબંધ સ્પર્ધા જાહેર કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ ભાગ લેશે અને શિક્ષકોએ માહિતી આપવાની રહેશે. આ ઇવેન્ટ પુરી થાય ત્યાર બાદ 30મીએ સમગ્ર કાર્યક્રમ તથા ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા સહિતની માહિતી ઝોનના નિરીક્ષકને મોકલવા માટે તાકીદ કરવામાં આવી છે. પરીક્ષા આડે ગણતરીના દિવસો બાકી છે અને અભ્યાસ પુરો થયો નથી તેવી ફરિયાદ છતાં એક બાદ એક કાર્યક્રમ આપવામાં આવી રહ્યાં છે તેના કારણે શિક્ષણ પર માઠી અસર પડી રહી છે.








