ડભોઇ તાલુકામાં માસુમ બાળકોને સીરપ ધરમપુરીના બોગસ ડોક્ટરે આપતા જીવ જોખમાયા

Vadodara Bogus Doctor : વડોદરાના ડભોઇ તાલુકામાં બોગસ તબીબે બે માસુમ બાળકોને કફ સીરપ આપતા બંનેની તબિયત લથડી હોવાનું બહાર આવતા પોલીસે બોગસ તબીબ સામે ગુનો દાખલ કર્યો છે.
થુવાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.નીલકમલ દેવકુમારસિંહે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ધરમપુરી ગામમાં આવેલી વારાહી ક્લિનિકના નામે બોગસ દવાખાનું અને તબીબી સેવા આપતા અશ્વિન ગૌરીશંકર પનોત સામે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેમની ક્લિનિકમાં સારવાર માટે આવેલી એક મહિલાએ તેની છ વર્ષની પુત્રીને ખાંસી તેમજ તાવ આવતો હોવાથી દવા આપવાનું જણાવતા બોગસ તબીબે soodex ds નામનું સીરપ આપ્યું હતું અને બાળકીને બે ટાઈમ સવારે તેમજ સાંજે 5 ml દવા લેવાનું જણાવ્યું હતું.
બોગસ ડોક્ટરની સલાહ બાદ ઘેર જઈને માતાએ તેની પુત્રી અને ત્રણ વર્ષના પુત્રને પણ ખાંસી તેમજ તાવ આવતો હોવાથી દવા આપી હતી. આ સીરપ પીધા બાદ બંનેની તબિયત લથડતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.