RTE હેઠળ ખોટી આવક બતાવીને બાળકોના એડમિશન થયા હોવાનો ઘટસ્ફોટ, DEOએ આપ્યા કાર્યવાહીના આદેશ
Ahmedabad News: રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ નકલી ડૉક્યુમેન્ટ થકી ખાનગી શાળામાં એડમિશન મેળવાતા હોવાની ઘટના સામે આવતી હોય છે. જેમાં ખોટા જાતિ અને આવકાના દાખલા રજૂ કરાતાં હોવાના કિસ્સા સામે આવતાં હોય છે, ત્યારે RTE હેઠળ ખોટી આવક બતાવીને બાળકોના એડમિશન થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે DEOએ યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
'25 જેટલા વાલીઓએ ખોટી આવક બતાવી'
મળતી માહિતી મુજબ, ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા મધ્યમ વર્ગના અને ઓછી આવક ધરાવતા પરિવારના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે RTE હેઠળ એડમિશન આપવામાં આવે છે. જેના માટે જરૂરી ડૉક્યુમેન્ટ અને આવક મર્યાદાના ધ્યાને લેવામાં આવે છે, ત્યારે અમદાવાદની ખાનગી શાળામાં 25 જેટલા વાલીઓએ ખોટી આવક બતાવીને પોતાના બાળકોના એડમિશન મેળવ્યા હોવાને લઈને શાળાએ DEOને પુરાવા રજૂ કર્યા હતા.
સમગ્ર મામલે DEOની કચેરી ખાતે 25માંથી 5 વાલીઓની સુનાવણી થઈ હતી. જેમાં પાંચેય વાલીઓની આવક રૂ. 6 લાખથી વધુ હોવાની જણાઈ હતી. આ પછી DEOએ વાલી સામે કાયદેસરની કાર્યવાહી કરવા શાળાને આદેશ કર્યા છે.
તમને જણાવી દઈએ કે, ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા માટે બાળકોના વાલીની આવકમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંને માટે રૂ. 6 લાખની આવક મર્યાદા છે. જેમાં સૌથી ઓછી આવક ધરાવતા કુટુંબના બાળકોને પ્રવેશમાં અગ્રતા આપવામાં આવે છે.