જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલા સ્પામાંથી બાળ મજૂરી ઝડપાઈ : બોડીકેર સ્પા સંચાલક સામે ગુનો નોંધાયો
Jamnagar : જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલા એક બોડીકેર સ્પામાં પોલીસની એ.એચ.ટી.યૂ. વિભાગની ટીમે દરોડો પાડયો હતો, અને તેમાંથી બાળમજૂરી પકડી પાડી છે. નાની વયના બાળક પાસે બાળ મજૂરી કામ કરનાર કરાવનાર સ્પાના સંચાલક સામે ગુનો નોંધાવાયો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા અને રણજીત સાગર રોડ પર ખોડિયાર એનેકસ નામના બિલ્ડીંગમાં ત્રીજા માળે બોડી કેર સ્પા ચલાવતાં અલ્પેશ ચમનભાઈ પીપલીયા દ્વારા પોતાના સ્પામાં નાના બાળક પાસેથી સફાઈ કામ કરાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
આથી જામનગર પોલીસના એ.એચ.ટી.યુ. વિભાગના પી.આઈ. એ.એ.ખોખર અને તેઓની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરોડા દરમિયાન નાની વયના એક બાળક પાસેથી સફાઈ કામ કરવામાં આવી રહ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી પોલીસે બાળકનો કબ્જો સંભાળ્યો છે, અને બાળ સંરક્ષણ ગ્રહને મોકલી આપેલ છે. ઉપરાંત બોડી કેર સ્પાના સંચાલક અલ્પેશ જમનભાઈ પીપલીયા સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ-2015 ની કલમ 79 મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. જેમાં એ.એચ.ટી.યુ ના એએસઆઇ આર.કે.ગઢવી ફરિયાદી બન્યા છે.