Gandhinagar News: ગાંધીનગરમાં આજે(6 જાન્યુઆરી) એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. ફાયર સ્ટેશન પાછળ આવેલી લેબર કોલોનીમાં રમતા-રમતા એક 6 વર્ષીય માસૂમ બાળક બોરવેલ જેવી ઊંડી ગટરમાં ખાબક્યું હતું. ઘટનાની જાણ થતા જ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બાળકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યું હતું, પરંતુ કમનસીબે બાળકે દમ તોડ્યો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો.
ઝારખંડના શ્રમિક પરિવારનો બાળક પ્રિયાંશ રાજકુમાર રામ રમતા રમતા ખુલ્લી ગટરમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રિયાંશ ગટરમાં પડતા જ આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ગાંધીનગર ફાયર વિભાગની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોની મદદથી ફાયરના જવાનોએ યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ બાળકને ગટરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.
ગંભીર હાલતમાં રહેલા બાળકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. 108ના ડોક્ટર દ્વારા પ્રિઆંશને તાત્કાલિક CPR પણ આપવામાં આવ્યું હતું. ડોક્ટરોની ટીમે બાળકને બચાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓ અને ગૂંગળામણને કારણે ટૂંકી સારવાર દરમિયાન જ માસૂમનું કરુણ મોત નીપજ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
જેતપુરમાં બાળકીનું કુંડીમાં પડી જતા મોત
જેતપુરના જેતલસરમાં સિગનોલ પોલીકેપના કારખાનામાં દુર્ઘટના બની છે. જ્યાં એક બાળકીનું પાણીની કુંડીમાં પડી જતા મોત નિપજ્યું છે.


