ટ્રકે કારને ટક્કર મારતા બાળકનું મોત, અન્યને ગંભીર ઈજાગ્રસ્ત

- માલપુર હાઈવે પર ફરી અકસ્માત
- પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
માલપુર તાલુકામાંથી પસાર થતા મોડાસા-લુણાવાડા હાઈવે પર અકસ્માતોની સિલસિલા યથાવત્ છે. છેલ્લા પાંચ દિવસમાં જ છ જેટલા અકસ્માત સર્જાયા છે, જેમાં પાંચ લોકોના મોત નિપજ્યાં છે. રવિવારે રાત્રે સોમપુર ચોકડી નજીક ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના બાદરપુરા ગામના પાંચથી વધુ લોકો કાર લઈને રણુંજા દર્શનાર્થે જઈ રહ્યાં હતા. તે દરમિયન સામે આવી રહેલા ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક ટ્રત હંકારીને કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક જ ગામના પાંચ લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી, જ્યારે પાંચ વર્ષના બાળક રિયાંશુભાઈ શીવાભાઈ ખાંટનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે સંજયભાઈ રમેશભાઈ ખાંટ, જયરાજભાઈ વાલમભાઈ ઠાકોર, વિજીબેન શીવાભાઈ ખાંટ, કિંજલબેન રત્નાભાઇ ખાંટ અને રીંકુબેન સંજયભાઈને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માત મામલે સંજયભાઈ રમેશભાઈ ખાંટની ફરિયાદના આધારે માલપુર પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









