બોલ લેવા બાળક રોડ પર દોડીને જતાં વાહનની ટક્કરે જીવ ગુમાવ્યો
તાલાલાના નવા બસ સ્ટેન્ડ પાસે પોતાના ભાઈ સાથે ક્રિકેટ રમતી વખતે બનાવ
તાલાલા, : તાલાલાના નવા બસ સ્ટેન્ડ પાસેના વિસ્તારમાં રહેતો 8 વર્ષીય બાળક પોતાના ભાઈ સાથે ક્રિકેટ રમતો હતો. ત્યારે બોલ રોડ પર જતા બાળક દોડીને બોલ લેવા ગયો હતો. ત્યારે છોટા હાથી વાહને તેને ટક્કર મારતા મોત નિપજયું હતું. બનાવના પગલે અરેરાટી વ્યાપી છે. તાલાલા શહેરમાં નવા બસ સ્ટેન્ડ આગળ સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા પરસોતમભાઈ ભીમજીભાઈ ગોહીલનાં આઠ વર્ષીય પુત્ર મનન નવા બસ સ્ટેન્ડ આગળ ક્રિકેટ રમતી વખતે બોલ રોડ ઉપર આવતા બોલ લેવા દોડયો હતો. આ દરમ્યાન તાલાલાથી ધુંસિયા ગીર તરફ પુરઝડપે જતા છોટાહાથી વાહને તેનેે હડફેટે લેતા કરૂણ મૃત્યુ નિપજયું હતું. મનન અને મર્થન બંને જુડવા ભાઈઓ ક્રિકેટ રમત હતા ત્યારે બનાવ બન્યો હતો. બાળકનાં પિતાની ફરિયાદ લઈ પોલીસે છોટા હાથીના ચાલક સામે ગુનો દાખલ કરી પી.આઈ. ગઢવીએ વધુ તપાસ હાથ ધરી છે.