Get The App

ચીફ ફાયર ઓફિસર અને તેના ડ્રાઈવરે નશામાં ધુત થઈ અકસ્માત સર્જ્યો

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
ચીફ ફાયર ઓફિસર અને તેના ડ્રાઈવરે નશામાં ધુત થઈ અકસ્માત સર્જ્યો 1 - image


જૂનાગઢ મનપાની સરકારી ગાડીએ ત્રણને હડફેટે લીધા

શહેરના ઝાંઝરડા ચોકડી નજીક રોંગ સાઈડમાં પુર ઝડપે વાહન ચલાવી એક કાર અને અન્ય કારને ટોઈંગ કરતા યુવકોને  ઈજાગ્રસ્ત કર્યા

જૂનાગઢ: મનપાના ચીફ ફાયર ઓફિસર અને તેના ડ્રાઈવરે દારૂ પી નશામાં ધુત બની શહેરના ઝાંઝરડા રોડ પર સરકારી ગાડી રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો હતો. આ ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત કરી ફાયર ઓફિસર અને તેમના ડ્રાઈવરે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકોના ટોળા એકઠા થઈ જતા બંનેને પકડી પોલીસને હવાલે કરી દીધા હતા. ડ્રાઈવર સામે દારૂ પી બેફીકરાઈથી વાહન ચલાવવાનો અને ચીફ ફાયર ઓફિસર નશાની હાલતમાં પકડાતા બંને સામે બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાઈ છે.

ગત મોડી રાત્રીના ઝાંઝરડા રોડ પર રશ્મીનભાઈ વણપરીયાની કાર બંધ થઈ ગઈ હોવાથી તેણે ગાડીને ટોઈંગ કરવા માટે ક્રેઈન બોલાવી હતી. ક્રેઈનના સંચાલક પ્રદિપભાઈ ઉમરાણીયા અને તેમની સાથે રોહિતભાઈ સરવૈયા ક્રેઈન લઈ એચડીએફસી બેંક પાસે બંધ પડેલી કારને ટોઈંગ કરતા હતા. તેવામાં રોંગ સાઈડમાં આવેલી બોલેરોના ચાલકે પુરપાટ ઝડપે બેફીકરાઈથી ગાડી ચલાવી જે ગાડીને ટોઈંગ કરવાની હતી તેની આગળ અન્ય એક ફોરવ્હીલ પડી હતી તેની સાથે ભટકાવી બાદમાં જે ફોરવ્હીલને ટોઈંગ કરવાનું કામ કરતા રશ્મીનભાઈ, પ્રદિપભાઈ અને રોહિતભાઈને હડફેટે લઈ ત્રણેયને રસ્તા પર પછાડી દીધા હતા. આ ગંભીર અકસ્માત થતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. તાત્કાલીક ૧૦૮ને જાણ કરી ત્રણેય ઈજાગ્રસ્તોને શરીરે ઈજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જનાર કાર ચાલક અને તેમાં સવાર અધિકારીએ ત્યાંથી ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ લોકોએ ગાડીમાંથી ચાવી કાઢી તેને પકડી લીધા હતા.

જે વાહન વડે અકસ્માત કર્યો છે તે મનપાની ફાયર શાખાની જીજે-૧૧-જીએ-૦ર૧૪ નંબરની બોલેરો કાર હતી. આ બોલેરો કારમાં સાયરનનું લાઉડ સ્પીકર તથા ફાયર બ્રિગેડની લાઈટો લગાવેલી હતી. આ સરકારી કારને તેમનો ચાલક વિજય કાચડીયા ચલાવતો હતો અને તેની સાથે જે વ્યક્તિ બેઠો હતો તે મનપાનો ચીફ ફાયર ઓફિસર વિશાલ ટીંબડીયા હતો. આ બંને શખ્સો નશામાં ધુત બની ગયા હતા. તેમને નશામાં કોઈજાતનું ભાન ન રહ્યું હોવાથી ગંભીર અકસ્માત સર્જી દીધો હતો. સદનસીબે જાનહાની થઈ નથી પરંતુ મનપાના ઉચ્ચ અધિકારી અને તેમના ડ્રાઈવરે કરેલા કૃત્યથી મોટો વિવાદ સર્જાયો છે. આ અંગે રશ્મીનભાઈ વણપરીયાએ ફાયર વિભાગના ડ્રાઈવર વિજય કાચડીયા અને ચીફ ફાયર ઓફિસર વિશાલ ટીંબડીયા સામે બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી છે.

હજુ થોડા દિવસ પહેલા જ મેળવી છે ચીફ ફાયર ઓફિસરની નોકરી

વિશાલ ટીંબડીયા હજુ થોડા દિવસો પહેલા જ અનેક પરીક્ષાઓ પાસ કરી જૂનાગઢ મનપામાં ચીફ ફાયર ઓફિસર તરીકે નિમણુંક પામ્યા છે. ઉચ્ચ અધિકારી તરીકેની સરકારી નોકરી મળ્યાના થોડા દિવસમાં જ દારૂના નશામાં પોલીસના હાથે પકડાઈ જતા હવે મનપાના કમિશનર દ્વારા શું કાર્યવાહી થાય છે તે મહત્વનું બની ગયું છે. નશામાં પકડાયેલા ચીફ ફાયર ઓફિસરને બચાવવા માટે રાજકીય લોકો તથા બિલ્ડરોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું પરંતુ પોલીસે બંને સામે ગુનો દાખલ કરી બંનેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બિલ્ડરને ત્યાં પાર્ટી કરી હોવાની ચર્ચા

અધિકારી અને કર્મચારી દારૂ પીવા માટે જૂનાગઢના એક બિલ્ડરને ત્યાં ગયા હતા. આ બિલ્ડર બાંધકામનો વ્યવસાય કરતા હોવાથી ફાયર વિભાગની અવાર-નવાર જરૂર પડતી હોય છે જેથી તે આવા દારૂડીયાઓને તથા મનપાના વહિવટદારોને સાચવી તેમને ગમતી પાર્ટી આપે છે. ગત રાત્રીના બિલ્ડરની પાર્ટી બાદ અધિકારી અને કર્મચારીની નોકરી જોખમમાં મુકાઈ ગઈ છે તથા નિર્દોષ લોકોને અકસ્માતનો ભોગ બનવાનો વારો આવ્યો છે.


Tags :