Gujarat

ટામેટાંના ભાવ તળિયે: છોટા ઉદેપુરના ખેડૂતો 6 રૂપિયે કિલો વેચવા મજબૂર, દેવું વધતા ચિંતા

By GS TEAM
25 Mar 20262 mins read
TukuTouch Logo
છોટા ઉદેપુર જિલ્લાના ટામેટાં પકવતા ખેડૂતો હાલ બેવડી મુસીબતમાં મુકાયા છે. એકતરફ કુદરતી આફત અને બીજી તરફ બજારમાં મળતા તળિયાના ભાવને કારણે જગતનો તાત દેવાદાર બનવાની સ્થિતિમાં આવી ગયો છે. જિલ્લામાં ટામેટાંના ભાવ કિલો દીઠ માત્ર 6 થી 7 રૂપિયા થઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટામેટાંના ભાવ તળિયે: છોટા ઉદેપુરના ખેડૂતો 6 રૂપિયે કિલો વેચવા મજબૂર, દેવું વધતા ચિંતા

Chhota Udepur News : છોટા ઉદેપુર જિલ્લાના ટામેટાં પકવતા ખેડૂતો હાલ બેવડી મુસીબતમાં મુકાયા છે. એકતરફ કુદરતી આફત અને બીજી તરફ બજારમાં મળતા તળિયાના ભાવને કારણે જગતનો તાત દેવાદાર બનવાની સ્થિતિમાં આવી ગયો છે. જિલ્લામાં ટામેટાંના ભાવ કિલો દીઠ માત્ર 6 થી 7 રૂપિયા થઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

કુદરત અને બજાર બંનેનો માર

તાજેતરમાં આવેલા વાવાઝોડાને કારણે ટામેટાંના છોડ વજનથી નમી પડ્યા છે, જેનાથી પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ કરીને આ ખેતી પકવી હતી, પરંતુ હવે જ્યારે પાક તૈયાર છે ત્યારે બજારમાં ભાવ મળતા નથી. ખેડૂતો ટામેટાં તોડવા માટે મજબૂર છે, પરંતુ તોડામણનો ખર્ચ પણ નીકળે તેમ નથી. સ્થિતિ એટલી હદે વણસી છે કે કેટલાક ખેડૂતો હવે ટામેટાંના છોડ જ ઉખેડી નાખવાનું વિચારી રહ્યા છે.

આ પણ વાંચો : ટ્રમ્પનો ફરી મોટો દાવો: 'ઈરાને અમેરિકાને આપી કિંમતી ભેટ', પરમાણુ હથિયાર ન રાખવા પણ સહમત

તંત્રની ઉદાસીનતા અને સર્વેનો અભાવ

ખેડૂતોનો આક્ષેપ છે કે, છોટા ઉદેપુર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા બાગાયતી ખેતીમાં થયેલા નુકસાનનો કોઈ પણ પ્રકારનો સર્વે કરવામાં આવતો નથી. વળતર તો દૂરની વાત છે, પરંતુ અધિકારીઓ નુકસાનીની ગણતરી કરવા પણ ખેતરો સુધી પહોંચતા નથી, જેને કારણે ખેડૂતો લાચાર અનુભવી રહ્યા છે.

કોલ્ડ સ્ટોરેજની વર્ષો જૂની માંગ અધૂરી

છોટા ઉદેપુર જિલ્લામાં એક પણ જગ્યાએ કોલ્ડ સ્ટોરેજની સુવિધા નથી. આ સુવિધાના અભાવે ખેડૂતોએ પાક તૈયાર થતા જ તાત્કાલિક વેચી દેવો પડે છે. વેપારીઓ જે ભાવ આપે તે ભાવે માલ વેચવા સિવાય ખેડૂતો પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. જિલ્લાના ખેડૂતો વર્ષોથી તાલુકા મથકો અને APMC સેન્ટરોમાં કોલ્ડ સ્ટોરેજની માંગ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી આ દિશામાં કોઈ નક્કર કામગીરી થઈ નથી. હાલ તો 6 થી 7 રૂપિયાના ભાવે ટામેટાં વેચવા પડતા હોવાથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. જો સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરી વળતર જાહેર કરવામાં નહીં આવે, તો આ વિસ્તારના ખેડૂતો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બની જશે.