છોટાઉદેપુરમાં સુખી જળાશય યોજનામાં ભ્રષ્ટાચાર, 225 કરોડના ખર્ચે બનતી કેનાલ પહેલા વરસાદે જ ધોવાઈ
Sukhi Dam Corruption: છોટાઉદેપુર જિલ્લાના સુખી જળાશય યોજનામાં રૂા.225 કરોડના ખર્ચે નવી બનતી કેનાલમાં ગાબડા પડતા કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે. ઉદ્ધાટન પહેલાં જ ભ્રષ્ટાચાર બહાર આવ્યો હોવા છતાં પણ રૂ.6 કરોડના બિલો બનાવવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર બોડેલી અને સંખેડા તાલુકામાં સુખી જળાશય યોજનાનું સિચાઇનું પાણી 92 ગામોને 17094 હેક્ટર વિસ્તારમાં મળે તે માટે સરકાર દ્વારા કેનાલોનું રિનોવેશન કરવા માટે રૂ.225 કરોડની ગ્રાન્ટ ફાળવાઇ હતી.
આ જૂની કેનાલો વર્ષ 1986માં બની હતી તે જર્જરિત હતી અને તે કેનાલો તોડીને નવી બનાવવા માટે સુખી જળાશય યોજનાની કચેરી દ્વારા વડોદરાના કોન્ટ્રાકટર શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટને ઇજારો આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ કેનાલના કામો કરતા પ્રથમ વરસાદમાં જ હલકી કક્ષાનું કોક્રિટ ધોવાઈ જતા કેનાલોની હાલત ખરાબ થઇ ગઇ છે.
કામ ચાલતું હતું ત્યારે સ્થાનિક લોકોએ હલકી કક્ષાનું કામ થતું હોવાની રજૂઆતો એક્ઝિક્યૂટિવ એન્જિનિયર કિશન સોરઠિયાને કરી પરંતુ કોઇ ઘ્યાન નહી અપાતા કેનાલમાં ઠેરઠેર ગાબડા પડી ગયા છે.
છોટાઉદેપુર જિલ્લામાં સુખી જળાશય યોજનાના કામમાં ભ્રષ્ટાચારની પોલ ખૂલતા એક્ઝિક્યૂટિવ એન્જિનિયરને તમામ રિપોર્ટ સાથે ગાંધીનગર ખાતે ચીફ ઇજેનરે રૂબરૂ બોલાવી ખુલાસો પૂછ્યો છે. ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે સરકારે રૂા.225 કરોડ ફાળવતા કામગીરી કરાવવામાં અધિકારીઓ નિષ્ફળ નીવડ્યા અને ઉદ્ધાટન પહેલા જ કેનાલો તૂટવા લાગી છે.