Get The App

છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ સંસદમાં પાણીનો મુદ્દો ઉઠાવ્યો,મનસુખ વસાવા પણ શિક્ષણ મુદ્દે બોલ્યા

મંત્રી મુકેશ પટેલે કહ્યું અંબાજી મંદિરના ચાચરચોકનું પણ વહેલી તકે વિસ્તૃતિકરણ કરવામાં આવશે

રાજ્યકક્ષાના કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે કહ્યું ગુજરાતમાં ખાતરની અછત નથી

Updated: Dec 16th, 2022

GS TEAM

Google News
Google News
છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ સંસદમાં પાણીનો મુદ્દો ઉઠાવ્યો,મનસુખ વસાવા પણ શિક્ષણ મુદ્દે બોલ્યા 1 - image

image- twitter

અમદાવાદ, 16 ડિસેમ્બર 2022, શુક્રવાર

સંસદમાં શિયાળુ સત્રની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતના બે સાંસદોએ પાણી અને શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યો છે. છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ લોકસભામાં પાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સંસદમાં પાણીના પ્રશ્નની રજૂઆત કરી હતી. તેમણે સરદાર સરોવરનું પાણી પૂર્વ ભાગમાં આપવાની માંગ કરી હતી. છોટાઉદેપુરમાં ખેડૂતોને ખેતી માટે વરસાદી પાણી પર નિર્ભર રહેવું પડે છે. વરસાદી પાણી સિવાય આ વિસ્તારમાં કોઈ ઉકેલ નથી. તે ઉપરાંત તેમણે એવી પણ રજૂઆત કરી હતી કે ખેડૂતો આજે પણ યોજનાઓથી વંચિત છે. 

આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની જરૂર- મનસુખ વસાવા
છોટાઉદેપુરના સાંસદ સહિત ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ નિવેદન આપ્યું હતું કે તેમણે લોકસભામાં શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યો છે. આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની તાતી જરૂરીયાત છે. આ વિસ્તારના યુવાનો આજે પણ શિક્ષણથી વંચિત છે. જેથી તેમને આર્થિક લાભ મળી શકતા નથી. જેથી આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સુવિધા પર ધ્યાન આપવું જોઈએ. જેનાથી આદિવાસી યુવાનોને રોજગાર મળી શકે અને સારા શિક્ષણ થકી તેઓ સમાજમાં પોતાનું સ્થાન બનાવી શકે. 

ચાચરચોકનું પણ વહેલી તકે વિસ્તૃતિકરણ કરાશે- મુકેશ પટેલ
બીજી તરફ નવા મંત્રી મંડળમાં જેમનો સમાવેશ કરવામાં આવ્યો છે એવા મુકેશ પટેલે અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે અંબાજી મંદિરના વિકાસને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અંબાજીના કોટેશ્વરમાં 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવશે. મંદિરના ચાચરચોકનું પણ વહેલી તકે વિસ્તૃતિકરણ કરવામાં આવશે. અંબાજીમાં ગબ્બર પર્વતની આસપાસ હવે નવી સુવિધાઓ અને ધાર્મિક સ્થાનો વિકસાવવામાં આવ્યાં છે. હવે આગામી સમયમાં નવો વિકાસ લોકોને જોવા મળશે. 

ખાતરની અછત નથી પણ કૃતિમ રીતે ઉભી કરાઈ- બચુભાઈ ખાબડ
ભૂપેન્દ્ર પટેલની સરકારના રાજયકક્ષાના કૃષિમંત્રી સામે ખાતરની અછતને લઈને સવાલો કરવામાં આવ્યાં હતાં. ત્યારે તેમણે મીડિયાને કહ્યું હતું કે, ખાતરની અછત છે જ નહીં. તેને કૃતિમ રીતે ઉભી કરવામાં આવી છે. ગોધરાની મુલાકાતે આવેલા બચુભાઈ ખાબડે કહ્યું હતું કે, પંચમહાલ જિલ્લામાં 85,860 ખાતરની બેગનો જથ્થો ઉપલબ્ધ છે. ક્યારેય ખાતરની અછત ઉભી થશે નહીં. એવા રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યાં છે.