Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લામાં ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરો સામે પોલીસે કડક ઝુંબેશ હાથ ધરી છે. આ અંતર્ગત છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ નસવાડીમાં દરોડો પાડીને એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. કોઈપણ માન્ય ડિગ્રી ન હોવા છતાં આ શખસ ક્લિનિક ખોલીને લોકોની સારવાર કરી રહ્યો હતો.
SOG પોલીસની સફળ કામગીરી
મળતી માહિતી અનુસાર, SOG પોલીસે નસવાડીના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી, જેમાં અભિજીત તારક સરકાર નામનો ઈસમ ઝડપાયો હતો. આ આરોપી પાસે તબીબી સારવાર માટેની કોઈ માન્ય ડિગ્રી કે રજિસ્ટ્રેશન ન હોવા છતાં તે લાંબા સમયથી એલોપેથી ડોક્ટર તરીકેની ઓળખ આપી પ્રેક્ટિસ કરી રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી એલોપેથી દવાઓ, તબીબી સાધનો અને રોકડ રકમ મળી કુલ 5,973 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
લોકોના આરોગ્ય સામે જોખમ
છેવાડાના વિસ્તારોમાં આવા બોગસ ડોક્ટરો સસ્તામાં સારવાર આપવાના બહાને ભોળા લોકોના જીવ સાથે જોખમ ખેડતા હોય છે. અભિજીત સરકાર નામના આ ઈસમે યોગ્ય તબીબી જ્ઞાન વગર એલોપેથી દવાઓનો જથ્થો રાખીને ક્લિનિક શરૂ કર્યું હતું. પોલીસે મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


