વીર બાળ દિવસે જ છોટાઉદેપુરમાં શાળાઓને તાળા, સાહિબઝાદાઓની શહાદત વિસરી શિક્ષકો 'મિની વેકેશન'ના મોજમાં!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના બાળકોને સાહસ અને બલિદાનના પાઠ ભણાવવા માટે 26મી ડિસેમ્બરને ‘વીર બાળ દિવસ’ તરીકે ઉજવવાનું આહવાન કર્યું છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં આ દિવસની ગરિમા જળવાવાને બદલે શાળાઓમાં મનસ્વી રીતે રજા પાડીને શિક્ષણ જગતને લાંછન લગાડવામાં આવ્યું છે. શિખ ગુરુ ગોવિંદ સિંહના બે પુત્રોના બલિદાનને યાદ કરવાને બદલે શિક્ષકોએ તહેવારનું ખોટું બહાનું આગળ ધરીને શાળાઓ બંધ રાખતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શું છે ‘વીર બાળ દિવસ’ નો ઈતિહાસ?
વર્ષ 2022થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26મી ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે જાહેર કર્યો છે. વર્ષ 1704માં મુઘલ સેનાના હુમલા બાદ ગુરુ ગોવિંદ સિંહના બે નાના પુત્રો બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહને મુઘલ વજીરે ઇસ્લામ સ્વીકારવા દબાણ કર્યું હતું. ધર્મ ન બદલવાની મક્કમતા બતાવતા આ બંને રાજકુમારોને જીવતા દીવાલમાં ચણી દેવામાં આવ્યા હતા. આ બલિદાનની ગાથા બાળકો સુધી પહોંચાડવાની જવાબદારી શાળાઓની છે, પરંતુ છોટાઉદેપુરમાં સ્થિતિ ઉલટી જોવા મળી છે.
આ પણ વાંચો: અમદાવાદ: સુભાષબ્રિજની બન્ને તરફ નવા બ્રિજ બનાવાશે, હયાત બ્રિજને રીપેર કરી મજબૂત બનાવાશે
શિક્ષકોનું ‘મિની વેકેશન’ અને તંત્રની નિષ્ક્રિયતા
છોટાઉદેપુર જિલ્લાની કેટલીક શાળાઓમાં આજે શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. શિક્ષકોએ ચાર દિવસનું મિની વેકેશન માણવા માટે શિક્ષણ વિભાગ પાસે ‘ગામમાં સ્થાનિક તહેવાર’ હોવાનું બહાનું બતાવી રજા માંગી હતી. જ્યારે ગ્રામીણ સ્તરે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે ગામમાં કોઈ જ તહેવાર નથી. માત્ર રજાઓ ભેગી કરવા માટે જ આ તરકટ રચવામાં આવ્યું હતું. વીર બાળ દિવસે જ્યારે શાળાઓમાં વક્તૃત્વ સ્પર્ધા કે શહીદોને શ્રદ્ધાંજલિના કાર્યક્રમો હોવા જોઈએ, ત્યારે શાળાઓના ગેટ પર તાળા લટકેલા જોવા મળ્યા હતા.
અધિકારીઓનો લૂલો બચાવ
આ ગંભીર બેદરકારી અંગે જ્યારે તાલુકા વિકાસ અધિકારી (TDO)ને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જણાવ્યું કે, 'શિક્ષકોને રજા માંગવાનો હક્ક છે અને 40થી વધુ શાળાઓના શિક્ષકોએ રજાની માંગણી કરી હતી.' નવાઈની વાત એ છે કે દરેક પત્રમાં ‘તહેવાર’નો જ ઉલ્લેખ હતો. જો કે, અધિકારીએ પણ દબાયેલા સ્વરે સ્વીકાર્યું હતું કે આ રીતે સામૂહિક રજાઓ પાડવી તે ખોટું છે.
હવે સવાલો ઉઠી રહ્યા છે કે, શું રાષ્ટ્રીય મહત્ત્વના દિવસો કરતા શિક્ષકો માટે અંગત રજાઓ વધુ મહત્ત્વની છે? જે દિવસે બાળકોને વીર સાહિબઝાદાઓના સંઘર્ષની વાત કહેવાની હતી, તે જ દિવસે શાળાઓ બંધ રાખીને શિક્ષણ વિભાગે પોતાની નૈતિક જવાબદારી નેવે મૂકી દીધી છે.








