Narmada Canal Collapse in Sankheda: છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાંથી પસાર થતી નર્મદા નિગમની કેનાલોમાં ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે. સંખેડાના ટીંબા અને ભાટપુર ગામ પાસેથી પસાર થતી ખૂનવાડ માયનોર કેનાલનું માંડ ચાર દિવસ પહેલા જ સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ પાણી છોડતાની સાથે જ આ કેનાલ પત્તાના મહેલની જેમ તૂટી પડી છે. તંત્રની બેદરકારીને કારણે ખેડૂતોના સિંચાઈના પાણીના સપના પર ફરી એકવાર પાણી ફરી વળ્યું છે.
હલકી ગુણવત્તાના કામનો પર્દાફાશ
સ્થાનિક ખેડૂતોના આક્ષેપ મુજબ, નર્મદા નિગમ દ્વારા આ કેનાલનું રિપેરિંગ કામ અત્યંત હલકી કક્ષાનું કરવામાં આવ્યું હતું. કોંક્રિટમાં મટીરિયલ યોગ્ય ન વપરાયું હોવાથી જેવું કેનાલમાં પાણી છોડવામાં આવ્યું, તે સાથે જ કેનાલ ભાંગીને ભૂક્કો થઈ ગઈ હતી. કેનાલ તૂટવાને કારણે પાણી કોતરોમાં વહી ગયું હતું અને આજુબાજુની માટીનું પણ મોટા પાયે ધોવાણ થયું છે.
ખેડૂતોમાં રોષ
વર્ષો સુધી રાહ જોયા બાદ કેનાલમાં પાણી આવશે તેવી આશા રાખીને બેઠેલા ખેડૂતોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી નબળી કામગીરીને કારણે મોટું ગાબડું પડ્યું છે. નર્મદા નિગમના અધિકારીઓ જર્જરિત કેનાલોની મુલાકાત લેવાની તસ્દી પણ લેતા નથી. ટીંબા ગામ પાસે આવેલી અન્ય કેનાલો પણ જર્જરિત હાલતમાં છે, જ્યાં સતત લીકેજ થવાને કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે.
સિંચાઈના પાણી માટે હજુ કેટલી રાહ જોવી પડશે?
રવિ સીઝન ચાલુ હોવા છતાં, કેનાલ તૂટી જવાથી ખેડૂતોને હવે સિંચાઈનું પાણી ક્યારે મળશે તે મોટો પ્રશ્ન છે. શું નર્મદા નિગમ આ ભ્રષ્ટ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેશે? કે પછી ખેડૂતોએ આમ જ પાણી વગર વલખાં મારવા પડશે? તે જોવાનું રહ્યું.


