Gujarat

VIDEO | છોટાઉદેપુર: હોળી પર્વે 'ઘેરૈયા'ની પરંપરા, 5 દિવસના કઠિન વ્રત સાથે આદિવાસી સંસ્કૃતિની અનોખો વારસો

By GS TEAM
4 Mar 20262 mins read
TukuTouch Logo
આદિવાસી સંસ્કૃતિના ગઢ ગણાતા છોટાઉદેપુર જિલ્લામાં હોળીના પર્વની અનોખી રીતે ઉજવણી શરૂ થઈ ગઈ છે. જિલ્લાના નસવાડી તાલુકાના બજારોમાં આજે(4 માર્ચ, 2026) ઢોલ-નગારાના ગુંજારવ સાથે 'ઘેરૈયા'ની ટોળીઓ ઉતરી આવતા સમગ્ર પંથકમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ધારસીમેલ ગામના ઘેરૈયાઓએ નસવાડીના મુખ્ય બજારોમાં નાચ-ગાન કરી દક્ષિણા એકઠી કરી હતી, જેને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | છોટાઉદેપુર: હોળી પર્વે 'ઘેરૈયા'ની પરંપરા, 5 દિવસના કઠિન વ્રત સાથે આદિવાસી સંસ્કૃતિની અનોખો વારસો

Chhota Udepur Holi 2026: આદિવાસી સંસ્કૃતિના ગઢ ગણાતા છોટાઉદેપુર જિલ્લામાં હોળીના પર્વની અનોખી રીતે ઉજવણી શરૂ થઈ ગઈ છે. જિલ્લાના નસવાડી તાલુકાના બજારોમાં આજે(4 માર્ચ, 2026) ઢોલ-નગારાના ગુંજારવ સાથે 'ઘેરૈયા'ની ટોળીઓ ઉતરી આવતા સમગ્ર પંથકમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ધારસીમેલ ગામના ઘેરૈયાઓએ નસવાડીના મુખ્ય બજારોમાં નાચ-ગાન કરી દક્ષિણા એકઠી કરી હતી, જેને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.


શું છે 'ઘેરૈયા' બનવાની પરંપરા?

આદિવાસી સમાજમાં ઘેરૈયા બનવાનું વિશેષ મહત્વ છે. આ પરંપરા માત્ર મનોરંજન નથી, પણ સમૂહ ભાવના અને શિસ્તનું પ્રતીક છે. ઘેરૈયા બનેલા પુરુષો સળંગ પાંચ દિવસ સુધી પોતાના ઘરે જતા નથી. આ પાંચ દિવસ દરમિયાન તેઓ સ્નાન પણ કરતા નથી અને કઠિન વ્રતનું પાલન કરે છે. ઘેરૈયાઓ ગામે-ગામ અને બજારોમાં ફરીને નાચ-ગાન કરે છે અને દરેક દુકાનેથી સ્વેચ્છાએ દક્ષિણા મેળવે છે. પાંચ દિવસના અંતે તેઓ પોતાના પરિવારને મળે છે.

સેવા અને ગામના ઉત્થાન માટે ફાળો

ઘેરૈયાઓ દ્વારા એકઠી કરવામાં આવેલી રકમનો ઉપયોગ વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં, પરંતુ ગામની એકતા અને સુવિધા માટે કરવામાં આવે છે. આ દક્ષિણામાંથી ગામ માટે લગ્ન પ્રસંગે ઉપયોગમાં આવતા મંડપના સાધનોની ખરીદી કરાય છે. સામાજિક પ્રસંગોમાં વાસણો અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ વસાવવામાં આવે છે.આ પ્રવૃત્તિ દ્વારા ગામમાં ભાઈચારો અને એકતા જળવાઈ રહે છે.

આ પણ વાંચો: શરમજનક! નસવાડીના કુકરદામાં આઝાદીના 77 વર્ષ પછી પણ સગર્ભાને ઝોળીમાં ઉંચકી જવી પડી

બજારોમાં આકર્ષણનું કેન્દ્ર

નસવાડીના બજારોમાં જ્યારે ધારસીમેલ ગામની ઘેરૈયા ટુકડી પહોંચી, ત્યારે સંગીતના તાલે વેપારીઓ અને ગ્રાહકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. હોળીના તહેવાર નિમિત્તે આદિવાસી જિલ્લામાં આ પરંપરા પાંચ દિવસ સુધી ધૂમ મચાવશે. આધુનિક યુગમાં પણ પોતાની સંસ્કૃતિને જીવંત રાખવાનો આદિવાસી સમાજનો આ પ્રયાસ પ્રશંસનીય છે.

વર્ષો જૂની આ પરંપરા આજે પણ અકબંધ છે. ઢોલ-નગારાના તાલે જ્યારે ઘેરૈયાઓ બજારમાં નીકળે છે, ત્યારે આદિવાસી લોક સંસ્કૃતિના દર્શન થાય છે.