છોટા ઉદેપુરના: રાજવાસણા ગામે હેરણ નદી પર બન્યો રાજ્યનો પહેલો રબ્બર ડેમ! 20 ગામોની પાણીની સમસ્યા દૂર થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rubber Dam In Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી સિંચાઈ વિભાગ દ્વારા જળ સંચય ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચવામાં આવ્યો છે. જિલ્લાના રાજવાસણા ગામે હેરણ નદી પર ગુજરાતનો પહેલો અને એકમાત્ર રબ્બર ડેમ (Rubber Dam) બનીને તૈયાર થઈ ગયો છે. આધુનિક વિદેશી ટેકનોલોજીના ઉપયોગથી બનેલા આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 80 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ડેમ કાર્યરત થતાં જ ચોમાસામાં વહી જતું પાણી રોકી શકાશે, જેનાથી આસપાસના 20 જેટલા ગામોના હજારો નાગરિકો અને ખેડૂતોને પાણીની મોટી સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે.
જૂનો રજવાડી ડેમ તોડીને બનાવાયો આધુનિક ડેમ
છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ, પાવી જેતપુર, બોડેલી અને સંખેડા એમ ચાર તાલુકાઓમાંથી હેરણ નદી પસાર થાય છે. ચોમાસા દરમિયાન આ નદી ત્રણ મહિના સુધી બંને કાંઠે વહે છે અને તેનું કરોડો લીટર પાણી વહીને અંતે નર્મદા નદીમાં ભળી જતું હતું. પાણીના આ વ્યયને અટકાવવા માટે સરકારે હેરણ નદી પર રાજવાસણા ગામ પાસે આવેલો રજવાડી શાસન વખતનો જૂનો જર્જરીત ડેમ તોડીને નવો આધુનિક રબ્બર ડેમ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ માટે 'યોઇલ એન્વીરોટેક' (Yoil Envirotech) એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેની દેખરેખ બોડેલી સિંચાઈ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરની કચેરી દ્વારા કરવામાં આવી છે.
રબ્બર ડેમની મુખ્ય વિશેષતાઓ
•આ અદભુત રબ્બર ડેમની લંબાઈ 220 મીટર છે અને તેને 3 અલગ-અલગ સ્પાનમાં બનાવવામાં આવ્યો છે.
•ડેમની બોડી વોલ ઉપર 1.60 મીટરની ઊંચાઈ ધરાવતા અને 60 મીટર લાંબા એવા કુલ 3 રબ્બરના બ્લેન્ડર (ક્યૂબ) લગાવવામાં આવ્યા છે. આ ખાસ મટીરિયલ દક્ષિણ કોરિયાથી મગાવવામાં આવ્યું છે, જે ગમે તેટલા તીવ્ર પાણીના પ્રવાહમાં પણ અડીખમ રહેશે અને તેને કોઈ નુકસાન નહીં થાય.
•આ રબ્બર બ્લેન્ડરમાં ઓટોમેટિક સિસ્ટમ દ્વારા માત્ર 20 મિનિટની અંદર હવા ભરી શકાય છે અને જરૂરિયાત પૂરી થતાં જ માત્ર 10 મિનિટમાં હવા કાઢી પણ શકાય છે.
પૂર અને કાપની સ્થિતિમાં રબ્બરની હાઇટ આપોઆપ ઘટી જશે
ચોમાસાની શરૂઆતમાં જ્યારે હેરણ નદીમાં ઉપરવાસના જંગલોમાંથી ભારે માત્રામાં કાપ, પથ્થરો (ગ્રેવલ) અને મોટા લાકડાં તણાઈને આવે છે, ત્યારે રબ્બર બ્લેન્ડરને નુકસાન ન થાય તે માટે તેની હાઇટ ઘટાડીને ફ્લેટ કરી દેવામાં આવશે, જેથી કચરો સરળતાથી વહી જાય. ત્યારબાદ પાણીનો પ્રવાહ ચોખ્ખો થતાં જ અને પાણી રોકવાની જરૂરિયાત ઊભી થતાં ફરીથી રબ્બરમાં હવા ભરીને ડેમની ઊંચાઈ વધારી દેવામાં આવશે.
હાલમાં આ અદભુત રબ્બર ડેમની કામગીરી પૂર્ણતાના આરે છે. આ વર્ષે જ ચોમાસામાં નદીનું પાણી રોકીને આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળ ઊંચા લાવવામાં અને 20 ગામોને સિંચાઈ તેમજ પીવાનું પાણી પૂરું પાડવામાં આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થશે.









