Get The App

છોટાઉદેપુરમાં ભારજ નદી પરનો બ્રિજ બે વર્ષથી ઠપ, ડાયવર્ઝન પાછળ 6 કરોડથી વધુ સ્વાહા છતાં રાહદારી મુશ્કેલીમાં

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
છોટાઉદેપુરમાં ભારજ નદી પરનો બ્રિજ બે વર્ષથી ઠપ, ડાયવર્ઝન પાછળ 6 કરોડથી વધુ સ્વાહા છતાં રાહદારી મુશ્કેલીમાં 1 - image

Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાને મધ્ય પ્રદેશ સાથે જોડતા મહત્ત્વના નેશનલ હાઈવે-56 પર આવેલી ભારજ નદીનો પુલ છેલ્લા બે વર્ષથી શોભાના ગાંઠિયા સમાન બન્યો છે. તંત્રની ઢીલી નીતિ અને કોન્ટ્રાક્ટરની મનમાનીને કારણે અત્યાર સુધીમાં સાડા છ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ડાયવર્જન પાછળ ખર્ચાઈ હોવા છતાં સ્થિતિ જેમની તેમ છે. ત્રીજી વખત બની રહેલું ડાયવર્જન પણ માટી અને રેતીના સહારે ઉભું કરાતા ચોમાસામાં તે ટકશે કે કેમ તે બાબતે અનેક સવાલો ઉઠ્યા છે.

બે વર્ષ, બે વખત ધોવાણ અને ત્રીજો 'તકલાદી' પ્રયાસ

નેશનલ હાઈવે 56 ગુજરાત અને મધ્ય પ્રદેશને જોડતો મુખ્ય માર્ગ છે. બે વર્ષ અગાઉ ભારજ નદીનો પુલ ધરાશાયી થયા બાદ વાહનચાલકોને 40 થી 50 કિમીનો ફેરાવો ન કરવો પડે તે માટે નદીના પટમાં ડાયવર્જન બનાવવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટરે મૂળ ડિઝાઇનને નેવે મૂકીને માત્ર રેતી-માટી નાખીને કામ પતાવ્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. પરિણામે, છેલ્લા બે વર્ષમાં બે વખત ચોમાસાના સામાન્ય પ્રવાહમાં આ ડાયવર્જન ધોવાઈ ગયું હતું.

હાલ ત્રીજી વખત ડાયવર્જન બની રહ્યું છે, પરંતુ તેમાં પણ પથ્થર કે સિમેન્ટના મજબૂત કામના બદલે માત્ર કાચું મટીરિયલ વાપરવામાં આવતા સ્થાનિકોમાં રોષ છે.

આ પણ વાંચો: વડોદરામાં 14 વર્ષની સગીરાને 3 કલાક ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું, બેની ધરપકડ

આર્થિક બોજ અને ખેડૂતોની હાલાકી

આ માર્ગ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવાથી વેપારીઓ અને ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે. બોડેલીથી છોટાઉદેપુર જતા વાહનોને 50 કિ.મી. વધુ કાપવા પડતા હોવાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધ્યો છે, જેની સીધી અસર ચીજવસ્તુઓના ભાવ પર પડી રહી છે. શાકભાજી અને અન્ય પાક લઈને મંડી સુધી પહોંચવામાં ખેડૂતોને કલાકોનો વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે તેમને યોગ્ય ભાવ મળી રહ્યા નથી.

સુખી ડેમનું જોખમ અને મંથરગતિએ ચાલતું કામ

ભારજ નદીમાં ચોમાસા દરમિયાન પાણીનો પ્રવાહ ખૂબ જ તીવ્ર હોય છે, ખાસ કરીને જ્યારે ઉપરવાસમાં આવેલા સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે. આવા સમયે કાચું ડાયવર્જન ટકી શકશે નહીં તે નિશ્ચિત છે. બીજી તરફ, મુખ્ય પુલનું નિર્માણ કાર્ય અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી લોકોની ધીરજ ખૂટી રહી છે.

તંત્રની ઉદાસીનતા

આશ્ચર્યની વાત એ છે કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ આ જ માર્ગ પરથી પસાર થાય છે અને આ બિસ્માર હાલત જુએ છે, છતાં કોન્ટ્રાક્ટર સામે કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી. 6.5 કરોડ રૂપિયાના ધુમાડા બાદ પણ જનતાને કાયમી નિરાકરણ ક્યારે મળશે? તે મોટો પ્રશ્ન છે.