Get The App

છોટાઉદેપુરની શાળામાં ફૂડ પોઇઝનિંગ? અચાનક 18થી વધુ બાળકોની તબિયત લથડી, ફૂડ વિભાગમાં દોડધામ

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
છોટાઉદેપુરની શાળામાં ફૂડ પોઇઝનિંગ? અચાનક 18થી વધુ બાળકોની તબિયત લથડી, ફૂડ વિભાગમાં દોડધામ 1 - image

Chhota Udaipur Food poisoning: છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદૂરપુર ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ફૂડ પોઇઝનિંગના સમાચાર સામે આવ્યા છે. શાળામાં આશરે 18 જેટલા બાળકોની અચાનક તબિયત લથડતા ફૂડ પોઇઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, શાળાના સંચાલકો દ્વારા આ મામલો રફે-દફે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને વાલીને બાળકોની તબિયત વિશે જાણ કરવામાં આવી નહતી. પરંતુ, બાદમાં હકીકત સામે આવતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ શાળાએ પહોંચી તપાસ માટે નમૂના એકઠા કર્યા હતા. 

આ પણ વાંચોઃ રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાની આત્મહત્યા, દુષ્કર્મનો હતો આરોપ

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, છોટાઉદેપુરના બહાદૂરપુર ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં અચાનક વિદ્યાર્થીઓની તબિયત લથડવા લાગી હતી. કુલ 18 જેટલા બાળકોને અચાનક ઊલટી અને પેટમાં દુખાવા જેવી બીમારીની સમસ્યા જોવા મળી હતી. આ ઉપરાંત બે વિદ્યાર્થીઓને તાવ અને 4 વિદ્યાર્થીને અશક્તિ તેમજ અન્ય 4ને શારીરિક દુખાવા જેવી તકલીફ ઊભી થઈ હતી. જોકે, શાળા દ્વારા બારોબાર તેમની સારવાર કરી દેવામાં આવી અને વાલીઓને આ વિશે જાણ કરવામાં આવી નહતી. જોકે, વિદ્યાર્થીઓની તબિયત વિશે માહિતી મળતા જ આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. 

છોટાઉદેપુરની શાળામાં ફૂડ પોઇઝનિંગ? અચાનક 18થી વધુ બાળકોની તબિયત લથડી, ફૂડ વિભાગમાં દોડધામ 2 - image

હોસ્ટેલની બહારની ગંદકી



શાળા સંચાલકોના ઉડાઉ જવાબ

શાળા સંચાલકોને જ્યારે આ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા, ત્યારે તેમણે ઉડાઉ જવાબ આપતા કહ્યું કે, હોસ્ટેલના ભોજનથી કોઇને ફૂડ પોઇઝનિંગ થયું નથી. વાલીઓ રવિવારે પોતાના બાળકો માટે ખાવાનું લઈને આવે છે. આ ખાવાનું બાળકોએ રવિવારે પણ ખાધું અને સોમવારે વાસી પણ ખાધું જેના કારણે તેમની તબિયત બગડી હોય શકે છે. 

છોટાઉદેપુરની શાળામાં ફૂડ પોઇઝનિંગ? અચાનક 18થી વધુ બાળકોની તબિયત લથડી, ફૂડ વિભાગમાં દોડધામ 3 - image

ઇન્ચાર્જઃ રશ્મિબહેન



આ પણ વાંચોઃ પાલિતાણામાં સગીરાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, મહિલા સહિત 4ની ધરપકડ, 1 ફરાર

આરોગ્ય વિભાગની ટીમ 72 કલાક કરશે તપાસ

જોકે, આરોગ્ય વિભાગના કર્મચારી આર. એસ. પટેલે જણાવ્યું કે, અમને વિદ્યાર્થીઓની તબિયત વિશે જાણ થતા તુરંત તપાસ માટે આવ્યા હતા. હાલ, હોસ્ટેલના રસોડાની સ્થિતિ જોઇને એવું જ લાગે છે કે, હોસ્ટેલના ભોજનથી જ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોય શકે છે. જોકે, હાલ અમે સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. 72 કલાક સુધી આરોગ્ય વિભાગની ટીમ અહીં કાર્યરત રહેશે અને તપાસ કરશે. જો તપાસમાં કંઇ શંકાસ્પદ જણાશે તો તે વિશે વિસ્તારથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

છોટાઉદેપુરની શાળામાં ફૂડ પોઇઝનિંગ? અચાનક 18થી વધુ બાળકોની તબિયત લથડી, ફૂડ વિભાગમાં દોડધામ 4 - image

આરોગ્ય વિભાગના કર્મચારી



હોસ્ટેલમાં નીકળ્યો હતો સાપ

નોંધનીય છે કે, આ પહેલાં હોસ્ટેલના કેમ્પસમાં સાપ નીકળવાની બાબત પણ સામે આવી હતી. જોકે, પી.ટી. ટીચર દ્વારા આ અંગે ઉડાઉ જવાબ આપતા જણાવવામાં આવ્યું હતું કે, 'આ તો કુદરતી છે, કેમ્પસમાં ખુલ્લી જમીન અને વૃક્ષો છે એટલે સાપ નીકળે. ગામના ઘરોમાં પણ સાપ નીકળે છે.' જોકે, અહીં 350 જેટલા બાળકો જ્યારે હોસ્ટેલમાં રહેતા હોય ત્યારે તેમની સુરક્ષાની જવાબદારીને લઈને પણ ગંભીર સવાલ ઊભા થાય છે.

છોટાઉદેપુરની શાળામાં ફૂડ પોઇઝનિંગ? અચાનક 18થી વધુ બાળકોની તબિયત લથડી, ફૂડ વિભાગમાં દોડધામ 5 - image

પી.ટી ટીચર વસીમ મન્સૂરી