ગુજરાતનો ઝોળીદાર વિકાસ, છોટા ઉદેપુરમાં પ્રસુતાને 3 કિ.મી. ઊંચકી લઈ જવાઈ, અંતે કરુણ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડ્યા બાદ ઝોળીમાં નાખી ત્રણ કિમી સુધી ઊંચકીને લઈ જવાયા પછી એમ્બ્યુલન્સમાં ક્વાંટથી છોટાઉદેપુર અને ત્યાંથી વડોદરા રિફર કરાઈ હતી, પરંતુ પ્રસૂતિ થાય તે પહેલાં જ મહિલાનું મૃત્યુ થયું હતું. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના તુરખેડા ગામના ખૈંડી ફળિયાની મહિલા વાણસીબેન રાજુભાઈ નાયકાના પરિવારમાં ચાર સંતાનો છે. જેને પાંચમી પ્રસૂતિમાં પીડા ઉપડતા આજુબાજુના યુવાનો તેમજ પરિવારના સભ્યો ઝોળી બનાવીને તુરખેડા ના ખૈંડી ફળિયાથી સાવધા ફળિયા સુધી ત્રણ કિલોમીટર ઝોળીમાં ઉંચકીને લાવ્યા હતા.
તુરખેડામાં રસ્તાના અભાવે આ મહિલાને ઝોળીમાં નાખીને ત્રણ કિલોમીટરનો રસ્તો કાપવામાં ભારે કઠિનાઈ ભોગવવી પડી હતી. ત્યારબાદ સાવધા ફળિયાથી 108 એમ્બ્યુલન્સમાં આ મહિલાને કવાંટ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં લઈ જવાઈ હતી. કવાંટથી તેને છોટાઉદેપુર ખાતે વધુ સારવાર માટે મોકલવામાં આવતા ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખાતે એસ એસ જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.પરંતુ પ્રસૂતિ થાય તે પહેલાં મૃત્યુ થયું હતું. તુરખેડા ગામે 7 ફળિયા આવેલા છે. ગામની 4000 જેટલી વસ્તી છે.
આઝાદીના વર્ષો પછી પણ આ ફળિયાને રસ્તાની સુવિધા મળી નથી. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્યની સેવાઓ નિમ્ન કક્ષાની છે.કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું હોવા છતાંય આ મહિલાને છોટાઉદેપુર મોકલવામાં આવી હતી. જ્યારે છોટાઉદેપુર ખાતે સિવિલ હોસ્પિટલ હોવા છતાંય તેને વડોદરા ખાતે રિફર કરાઈ હતી. આ સમય દરમિયાન મહિલાની હાલત કફોડી બનતા મહિલાનું મોત થયું છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સરકાર અમારા વિસ્તારમાં રસ્તા બનાવતી નથી.રસ્તાની સુવિધા ન મળતા ગત વર્ષે પણ એક મહિલાનું મોત થયું હતું.જ્યારે ફરી એક મહિલાનું મોત થયું છે.









