Chhota Udaipur News: ભાગજો! ભાગજો! ભૂંડ આવ્યું ભૂંડ આવ્યું! છોટા ઉદેપુરની મુખ્ય બજારમાં આવી જ ચીસાચસ થઈ, પણ કેમ, વિચારો કે તમે બજારમાં ખરીદી કરવા નીકળો અને અચાનક કોઈ જંગલી જાનવર તમારા પર તૂટી પડે તો? છોટા ઉદેપુરમાં આવો જ એક ભયાનક નજારો જોવા મળ્યો, જ્યાં એક જંગલી ભૂંડે મેઇન બજારમાં આતંક મચાવી, પાંચથી વધુ લોકોને લોહીલુહાણ કરી નાખ્યા.
ભર બજારમાં ભૂંડે હુમલો કરવાનું શરૂ કર્યું!
બજારમાં લારી-ગલ્લા ચલાવતા વેપારીઓ હોય કે રસ્તે ચાલતા રાહદારીઓ, આ પાગલ બનેલા ભૂંડે જેને જોયા તેના પર હુમલો કરવાનું શરૂ કર્યું. બજારમાં અફરાતફરી મચી ગઈ અને લોકો જીવ બચાવવા ભાગતા દેખાયા. ગંભીર રીતે ઘવાયેલા લોકોને હોસ્પિટલ ભેગા કરવા પડ્યા, ત્યારે સવાલ એ થાય છે કે આ સ્થિતિ માટે જવાબદાર કોણ?
અનેક રજૂઆતો છતાં નઠારું તંત્ર મુકપ્રેક્ષક
સ્થાનિકોનો આરોપ છે કે છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો જાણે કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યા છે. રખડતા કૂતરા અને ભૂંડોનો ત્રાસ લાંબા સમયથી છે, છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. આજે જ્યારે ભૂંડ બચકાં ભરી ગયું ત્યારે તંત્ર જાગ્યું અને ભૂંડને પાંજરે પૂર્યું. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ સામે લોકોમાં ભારે રોષ છે કે કોઇ દુર્ઘટના બને પછી જ સફાળા જાગવાનું? જ્યારે રજૂઆતો કરીએ ત્યારે તંત્ર કેમ ઉંઘતું હોય છે?


