Chhota Udaipur News: છોટા ઉદેપુરની ગૃરૂકૃપા સોસાયટીમાં આજે સવારે દર્દનાક દુર્ઘટના બની હતી. જેમાં એક મજૂર યુવક નિર્માણાધીન મકાન પરથી પડી જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર આ મજૂર યુવક છોટા ઉદેપુર જિલ્લાના મોટી કનાસનો વતની છે. જે ગૃરૂકૃપા સોસાયટીમાં મજૂરીકામ અર્થે આવ્યો હતો. જ્યાં તે બે માળના ધાબાનું સેન્ટિંગ બાંધવાનું કામ કરતો હતો. પણ આજે સવારે ધાબાના સેન્ટિંગ માટે રાખવામાં આવેલા ટેકા ખસી જતાં તે નીચે પડી ગયો હતો. જ્યાં તેમણે માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ જીવ જતો રહ્યો હતો. મૃતકનું નામ અરવિંદભાઈ રાઠવા ઉ. આશરે 35 થી 40 વર્ષ છે.
કાશ કન્સ્ટ્રક્શન હેલમેટ પહેર્યું હોત!
ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી. અને ઘટના કયા કારણોસર બની તેની તપાસ શરૂ કરી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મૃતક અરવિંદભાઈ રાઠવાના પરિવાર અને ગ્રામજનો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવાવયે ગામના એક દીકરાનું અકાળે અવસાન થતાં હાલ મોટી કનાસ ગામ શોકમગ્ન છે. બીજી તરફ અહીં ધાબાનું સેન્ટિંગ કામ રાખનારા કોન્ટ્રાકટર પર સવાલો ઊભા થઈ રહ્યા છે કે કેમ મજૂર કોઈ સુરક્ષા સાધનો વિના કામ કરી રહ્યો હતો. જો મજૂરે કન્સ્ટ્રક્શન હેલમેટ પહેર્યું હોત કદાચ તેનો જીવ બચી ગયો હતો. હાલ અનેક ગ્રામ્ય અને શહેરી વિસ્તારો છે જ્યાં મજૂરની સુરક્ષાના નિયમો કોન્ટ્રાકટરો ઘોળીને પી જાય છે અને કોઈને કોઈ ઘટનામાં મજૂરને જીવ ખોવાનો વારો આવે છે.
'અમને ખબર જ ન હતી કે કોણ કેવી રીતે પડ્યું?'
નવા મકાનના દેખરેખ કરનાર રામાભાઇ રાઠવાએ કહ્યું કે 'લગભગ 10 કે 10:30 વાગ્યા હશે. હું ઉપર હતો પણ મને ખબર ન હતી કે કોઈ પડી ગયું છે, એક છોકરી કીધું કોઈ પડ્યું ત્યારે મને એમ લાગ્યું કે કોઈ પતંગ ચગાવનાર હશે. પછી અમે જોવા નીચે ઉતર્યા ત્યારે ખબર પડી કે અમારો મજૂર છે. ટેકા ઉપર હતા એટલે કદાચ આ ઘટના બની હશે શું થયું એ અમને ખબર નથી.'


