Chhota Udaipur News: એક તરફ સરકાર ખેતરે ખેતરે નર્મદાના પાણી પહોંચાડવાના દાવા કરે છે, તો બીજી તરફ નસવાડી તાલુકાના ચાર ગામોમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. કાંકરીયા માયનોર કેનાલની યોગ્ય સફાઈ અને મરામત ન થવાને કારણે લિન્ડા, ટેકરા, પાયાકોઈ અને કાંકરીયા ગામના ખેડૂતોનો શિયાળુ પાક સુકાઈ રહ્યો છે. રોષે ભરાયેલા ખેડૂતોએ આજે કેનાલ પર એકઠા થઈ ‘પાણી આપો, પાણી આપો’ના નારા લગાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
ઝાડી-ઝાખરામાં ગરકાવ કેનાલ: અધિકારીઓની બેદરકારી પડી ભારે
નર્મદા નિગમ દ્વારા આ વિસ્તારમાં સિંચાઈ માટે માયનોર કેનાલ તો બનાવવામાં આવી છે, પરંતુ તેની જાળવણીમાં અધિકારીઓ સદંતર નિષ્ફળ રહ્યા છે. શિયાળાની ઋતુ શરૂ થતા પહેલા કેનાલની સફાઈ કરવી જરૂરી હતી, પરંતુ અધિકારીઓએ આળસ દાખવતા હાલ આખી કેનાલ ઝાડી-ઝાખરાથી ભરાઈ ગઈ છે. પરિણામે, કેનાલમાં પાણી છોડવામાં આવે તો પણ તે ખેડૂતોના ખેતર સુધી પહોંચી શકતું નથી.
ચોમાસું ગયું નિષ્ફળ, હવે શિયાળુ પાક પર સંકટ
ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે. ખેડૂતોએ જણાવ્યું કે,ચોમાસામાં અનિયમિત વરસાદને કારણે ખેતી નિષ્ફળ ગઈ હતી. હવે શિયાળામાં મકાઈ, ઘઉં અને કપાસના પાકનું વાવેતર કર્યું છે, જેને અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે. વિસ્તારના બોરના જળસ્તર નીચે ઉતરી જવાથી સિંચાઈ માટે કેનાલ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.જો આગામી થોડા દિવસોમાં પાણી નહીં મળે, તો ખેડૂતોએ કરેલો બિયારણ અને મજૂરીનો ખર્ચ માથે પડશે અને દેવાનો બોજ વધશે.
અધિકારીઓના ખોટા દાવા પર ખેડૂતોનો પ્રહાર
ખેડૂતોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નર્મદા નિગમના અધિકારીઓ ઉપર બેસીને એવા રિપોર્ટ આપે છે કે છેવાડાના ખેતર સુધી પાણી પહોંચી ગયું છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ખેડૂતોની માંગ છે કે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ એસી ઓફિસો છોડીને રૂબરૂ મુલાકાત લે, તો જ ખબર પડશે કે કેનાલની સ્થિતિ કેટલી બદતર છે.
તંત્ર ક્યારે જાગશે?
હાલ તો ખેડૂતો આક્રમક મૂડમાં છે. જો સત્વરે કેનાલની સફાઈ કરાવીને પાણી છોડવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બને તેવી પૂરેપૂરી શક્યતા છે. હવે જોવાનું એ રહે છે કે નર્મદા નિગમ હજુ પણ ઊંઘતું રહેશે કે ખેડૂતોના સુકાતા મોલને બચાવવા પગલાં લેશે.


